Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન 1 - image

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ વર્ગ-1થી વર્ગ-4 સુધીના કર્મચારીઓને અલગ-અલગ પ્રકારના યુનિફોર્મ આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત આજે પ્રથમ તબક્કામાં વર્ગ-1 અને વર્ગ-2ના કુલ 136 અધિકારીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક યુનિફોર્મ પાછળ અંદાજે રૂ.770નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને પણ યુનિફોર્મ આપવામાં આવશે.

મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ યુનિફોર્મ અમલમાં મૂકવાનો મુખ્ય હેતુ કોર્પોરેશનની અલગ ઓળખ ઉભી કરવી તેમજ નાગરિકોને અધિકારીઓ અને કર્મચારીઓની સરળતાથી ઓળખ થઈ શકે તેવો છે. ઉપરાંત કામગીરી દરમિયાન વ્યવસ્થામાં પણ સરળતા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરના કાર્યકાળ દરમિયાન પણ યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી અને તે સમયે તેનું પાલન થતું હતું. જોકે કમિશનરની બદલી બાદ ધીમે ધીમે યુનિફોર્મનો ઉપયોગ બંધ થઈ ગયો હતો. હવે ફરી એકવાર યુનિફોર્મ સિસ્ટમના અમલીકરણને લઈને મ્યુનિસિપલ વર્તુળોમાં તેમજ કર્મચારીઓમાં ચર્ચા શરૂ થઈ છે.