Get The App

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત 1 - image

Raydhanpar Village Clash: ભુજ તાલુકાના રાયધણપર ગામે શુક્રવારે (29 મે) મોડી રાત્રે અચાનક હિંસા ભભૂકી ઉઠતાં સમગ્ર પંથકમાં અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં વરનોરા ગામના હથિયારધારી યુવકોના ટોળાએ રાયધણપર ગામના લોકો પર ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોખંડના પાઇપો, ધોકા અને પથ્થરો સાથે તૂટી પડેલા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કરી મોટું નુકસાન પહોંચાડ્યું છે. સમગ્ર ઘટનામાં એક યુવક ગંભીર અને અન્ય 3 જેટલા શખસો ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાય છે. 

રાયધણપર ગામના દર્શન મોહનભાઈ બરાડિયા (ઉં.વ. 21) નામના યુવકે માધાપર પોલીસ સ્ટેશનમાં 23 શખસો સામે નામજોગ અને અન્ય અજાણ્યા 5 થી 7 લોકોના ટોળા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ અને રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં દર્શન અને તેના મિત્રો ગામના નાકે બેઠા હતા ત્યારે વરનોરા ગામના સલીમ મામદ મોખા, અબુ સુફિયાન મોખા, સાહિલ સિદ્દીક મોખા, અબ્બાસ મામદ મોખા અને સમીર અબ્દુલ મમણ ત્યાં આવ્યા હતા. તેઓએ 'અમારી સામે કેમ જુઓ છો?' તેમ કહીને જેમતેમ ગાળો ભાંડી બબાલ શરૂ કરી હતી. આ દરમિયાન રઝાક સિદ્દીક મેર નામનો શખસ ત્યાં બોલેરો પિકઅપ ગાડી લઈને ધસી આવ્યો હતો અને ઉગ્ર બોલાચાલી કરીને તમામ શખસો ત્યાંથી ચાલ્યા ગયા હતા.

ગામના લોકો પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ

પ્રાથમિક ઝઘડા બાદ રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યે આ તમામ શખસો વરનોરા ગામમાંથી અન્ય 25થી વધુ માણસોના ટોળાને ધોકા અને પાઈપ જેવા ઘાતક હથિયારો સાથે બોલાવી લાવ્યા હતા. ઉશ્કેરાયેલા આ ટોળાએ રાયધણપર ગામના પાદરે આવી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં, રઝાક નામના શખસે બોલેરો ગાડી ગામના લોકો પર પૂરપાટ ઝડપે દોડાવી દઈને તેમને કચડી નાખવાનો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ વાહનોને નુકસાન

ગ્રામ્ય વિસ્તારમાં હિંસક ધીંગાણું અને પથ્થરમારો થઈ રહ્યો હોવાની બાતમી મળતાં જ માધાપર પોલીસ, પધ્ધર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, બેકાબૂ બનેલા તોફાની તત્વોએ કાયદાનો ડર નેવે મૂકીને પોલીસ ટીમ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ભારે પથ્થરમારો કર્યો હતો. 

બંને ગામો પોલીસ છાવણીમાં ફેરવાયા, તોફાનીઓની અટકાયત

ટોળાના આ હિંસક હુમલામાં ગામના એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બ્રેઈન હેમરેજ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અન્ય 3 થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને જોતાં એસપી સહિતનો કાફલો રાત્રે જ સ્થળ પર દોડી ગયો હતો. હાલ રાયધણપર અને વરનોરા બંને ગામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બંને ગામો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે. પોલીસે મુખ્ય સૂત્રધારો સહિત કેટલાક તોફાનીઓની અટકાયત કરી લીધી છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગળની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આરોપીઓના નામ

(1) સલીમ મામદ મોખા

(2) અબુ સુફિયાન મોખા

(3) સાહિલ સિદ્દીક મોખા

(4) અબ્બાસ મામદ મોખા

(5) સમીર અબ્દુલ મમણ

(6) રઝાક સિદ્દીક મેર

(7) ફિરોઝ રજાક મમણ

(8) શોયેબ સિદ્દીક મોખા

(8) અમન કરીમ મમણ

(10) અકરમ જુસબ મમણ

(11) મજીદ ઈબ્રાહિમ કેવર

(12) હનીફ રમજુ કેવર

(13) હનીફ અઝીઝ મમણ

(14) ઉમર અઝીઝ મમણ

(15) રેહાન હનીફ ખલીફા

(16) ઈબ્રાહિમ મામદ મમણ

(17) દાઉદ ઈબ્રાહિમ કેવર

(18) એઝાઝ ઉમર મેર

(19) સમીર અઝીઝ મમણ

(20) આફતાબ હનીફ કેવર

(21) આઝાદ મામદ કેવર

(22) અલ્તાફ લતીફ કેવર

(23) મામદ લાખા મોખા અને અન્ય પાંચથી સાત અજાણ્યા શખસો