Get The App

અમેરિકાના નાગરિકોના નાણાં પડાવતા બે આરોપીઓને જુહાપુરાથી ઝડપી લેવાયા

છ મહિનાથી ગેરકાયદે કોલ ચલાવવામાં આવતુ હતું

લોન આપતી કંપનીના ઓફિસર તરીકે ઓળખ આપીને લોન એલોટમેન્ટનો ખોટો લેટર મોકલીને બેંક એકાઉન્ટની વિગતો મેળવીને નાણાંની ઉચાપત થતી હતી

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાના નાગરિકોના નાણાં પડાવતા બે આરોપીઓને જુહાપુરાથી ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના જુહાપુરામાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડીને વેજલપુર પોલીસે અમેરિકાના નાગરિકોને લોન કંપનીના ઓફિસર તરીકે ઓળખ આપીને લોન મંજૂરીનો લેટર મોકલ્યા બાદ બેંક એકાઉન્ટની વિગતો મેળવીને ઓનલાઇન નાણાં પડાવતા બે શખ્સોને ઝડપી લીધા હતા. બંને યુવકો ટેલીગ્રામ ચેનલ મારફતે અમેરિકાના નાગરિકોના ડેટા મેળવીને મોબાઇલ એપ્લીકેશનથી કોલ કરીને  છેલ્લાં છ મહિનાથી સમગ્ર કૌભાંડ ચલાવતા હતા.  આ અંગે વેજલપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

અમેરિકાના નાગરિકોના નાણાં પડાવતા બે આરોપીઓને જુહાપુરાથી ઝડપી લેવાયા 2 - imageજુહાપુરા મોતી બેકરીના ખાંચામાં આવેલી રંગ અવધૂત સોસાયટીના એક મકાનમાં બે યુવકો ગેરકાયદે કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકો પાસે નાણાં પડાવવાનું કૌભાંડ ચલાવતા હોવાની બાતમી વેજલપુર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટપ આર એમ ચૌહાણ અને સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં મુનાફખાન પઠાણ અને સંકલૈન સિપાઇ નામના બે યુવકો મળી આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી છ મોબાઇલ ફોન, લેપટોપ, પેન ડ્રાઇવ  અને ડાયરી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

અમેરિકાના નાગરિકોના નાણાં પડાવતા બે આરોપીઓને જુહાપુરાથી ઝડપી લેવાયા 3 - imageપોલીસે મુનાફખાનની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ટેલીગ્રામ એપ્લીકેશનની મારફતે અમેરિકાના નાગરિકોના ડેટા મેળવતો હતો. આ ડેટાના આધારે તે  અમેરિકાના નાગરિકોને ગુગલ વોઇસ નામની એપ્લીકેશનથી કોલ અને મેસેજ કરીને લોન આપનારી કંપનીના અધિકારી તરીકે ઓળખ આપીને વિશ્વાસમાં લેતા હતા.

ત્યારબાદ લોન મંંજૂર કરાયાનો લેટર મોકલીને અંમેરિકાના નાગરિકોના બેંક એકાઉન્ટના પાસવર્ડ આઇ ડી મેળવીને તેમાં પ્રોસેસીંગ ફીના નાણાં જમા કરાવીને તે નાણાં  કેસ  એપ્લીકેશન અને એપલ પે જેવી ઓનલાઇન એપ્લીકેશનથી તેમજ વોલમાર્ટ અને અન્ય ગીફ્ટ કાર્ડ ખરીદીને નાણાં યુએસડીટી અને ભારતીય કરન્સી દ્વારા આંગડિયા મારફતે મેળવી લેતા હતા. ત્યારબાદ ગુગલ વોઇસની એપ્લીકેશનમાં તે મોબાઇલ ફોન બ્લોક કરતા હતા. અમેરિકાથી આવતા નાણાંને કન્વર્ટ કરાવવા માટે ચોક્કસ નેટવર્ક સાથે સંકળાયેલા લોકોને કમિશન આપતા હતા. પોલીસે તપાસ દરમિયાન લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર થયાની વિગતો મેળવી છે. તેમજ  તેમની સાથે સંકળાયેલા અન્ય શખ્સો અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.