Get The App

અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ 1 - image


Ahmedabda Police seizes Smoking Paper: અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતા ગેરકાયદે વેપાર પર લગામ કસવા માટે અમદાવાદ શહેર પોલીસની વટવા સર્વેલન્સ સ્ક્વોડે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રૂ.10 લાખની અંદાજિત કિંમતના 1.30 લાખથી વધુ સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપરનો જથ્થો જપ્ત કર્યો છે.

બાતમીના આધારે દરોડો વટવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વટવા સ્થિત 'રઘુવીર પ્લેટિનમ એસ્ટેટ'ના બ્લોક ‘U’ ના શેડ નંબર 3 માં ગેરકાયદેસર રીતે સ્મોકિંગ મટીરિયલનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ત્યાંથી વિવિધ બ્રાન્ડના રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોન્સનો મોટો સ્ટોક મળી આવ્યો હતો.

અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ 2 - image

કુલ રૂ.9.92 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસ તપાસ દરમિયાન કુલ 1,30,820 નંગ સ્મોકિંગ કોન્સ અને રોલિંગ સ્ટ્રીપ્સ મળી આવી હતી. બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.9,92,000 આંકવામાં આવી છે. સરકારી જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપીની ધરપકડ આ કેસમાં પોલીસે અતુલ ચૌહાણ નામના વેપારીની ધરપકડ કરી છે, જે અમદાવાદના મણિનગર વિસ્તારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તે આ જથ્થાના ગેરકાયદે સંગ્રહ અને વેપારમાં સંડોવાયેલો હતો.

તપાસ ચાલુ વટવા પોલીસે હાલમાં આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, આ આખી સપ્લાય ચેઈન કેવી રીતે કામ કરતી હતી અને આમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.