Asian U-20 Athletics: ગુજરાતના રમતગમત ક્ષેત્રે આજે એક નવો સુવર્ણ ઈતિહાસ રચાયો છે. વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય યુવા એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ સમગ્ર એશિયામાં રોશન કર્યું છે. રાહુલે એથ્લેટિક્સની સૌથી કઠિન ગણાતી 'ડેકાથલોન' સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીતીને દેશ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ માત્ર એક મેડલ નથી, પરંતુ ભારતીય એથ્લેટિક્સના ઈતિહાસમાં એક નવો સીમાચિહ્ન છે, કારણ કે રાહુલે આ જીત સાથે અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
27થી 31 મે દરમિયાન યોજાયેલા મહાકુંભમાં રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન
હોંગકોંગ ખાતે 27થી 31 મે દરમિયાન આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેકાથલોન એ એથ્લેટિક્સની દુનિયાની સૌથી કઠિન અને ખેલાડીની ખરી કસોટી કરતી સ્પર્ધા માનવામાં આવે છે. તેમાં ખેલાડીએ બે દિવસમાં કુલ 10 અલગ-અલગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો હોય છે, જેમાં 100 મીટર દોડ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ (વિઘ્ન દોડ) અને 1,500 મીટર દોડ. લાંબી કૂદ (લોન્ગ જમ્પ) અને ઊંચી કૂદ (હાઈ જમ્પ). શોટપુટ (ગોળા ફેંક), ડિસ્કસ થ્રો (ચક્ર ફેંક), જેવલિન થ્રો (બરછી ફેંક) અને પોલ વોલ્ટનો સમાવેશ થાય છે.

રાહુલના એક્સપર્ટ એથ્લેટિક કોચ શિવમ ઉપાધ્યાયે જણાવ્યું કે, આ તમામ 10 ઇવેન્ટમાં રાહુલે અદભુત સાતત્ય અને ક્ષમતા દર્શાવીને કુલ 7,185 પોઈન્ટ મેળવ્યા હતા. આ ધમાકેદાર પ્રદર્શન સાથે તે એશિયાનો સર્વશ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ બન્યો છે અને વૈશ્વિક રેન્કિંગમાં પણ દુનિયાના ટોચના 8 ખેલાડીઓમાં સ્થાન મેળવી લીધું છે.
એક અણધાર્યો સંયોગ અને બદલાઈ ગઈ જિંદગી
મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની અને છેલ્લા 30 વર્ષથી વલસાડના વાપીમાં સ્થાયી થઈ બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા એક સામાન્ય પરિવારના પુત્ર રાહુલની આ સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી.
થોડા વર્ષો પહેલાં રાહુલ તેના પિતા સાથે વાપીમાં સાંજના સમયે સહજ રીતે ફરવા નીકળ્યો હતો. ત્યાં એક સ્થાનિક મેદાન પર કેટલાક યુવાનોને દોડતા અને તાલીમ લેતા જોઈને આ કિશોરના મનમાં ઉત્સુકતા જાગી. તેણે પૂછ્યું કે, "આ લોકો શું કરી રહ્યા છે?" જવાબ મળ્યો કે, "આ એથ્લેટ્સ છે અને સ્પર્ધાઓની તૈયારી કરી રહ્યા છે." બસ, આ એક ક્ષણે રાહુલના જીવનનો માર્ગ બદલી નાખ્યો. બીજા જ દિવસથી રાહુલે પણ એ જ મેદાન પર દોડવાનું શરૂ કરી દીધું.
રાહુલે કહ્યું કે "મેદાનમાં દોડતા લોકોને જોઈને મને પણ એથ્લેટ બનવાનો જુસ્સો આવ્યો. ત્યારબાદ મેં શાળા વતી 'ખેલ મહાકુંભ'માં ભાગ લીધો અને લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પહેલી જીતે મારો આત્મવિશ્વાસ વધાર્યો અને મેં આ જ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરી લીધું."
ગ્રાસરૂટ્સથી ગ્લોબલ મંચ
રાહુલે પોતાની કારકિર્દીની શરૂઆત બનાસકાંઠાના ગઢ ખાતે આવેલી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં કોચ વિપુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરી હતી.
વર્ષ 2024માં તેની અસાધારણ પ્રતિભાને જોઈને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર માટે પસંદ કરવામાં આવ્યો. આ એક અદ્યતન રહેણાંક કેન્દ્ર છે જ્યાં 200થી વધુ ખેલાડીઓને વર્લ્ડ-ક્લાસ કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ સપોર્ટ અને વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવે છે. નડિયાદ ખાતે કોચ શિવમ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર પરમાર અને સતેશ ઉપાધ્યાયની દેખરેખ હેઠળ રાહુલે ડેકાથલોનની અતિ મુશ્કેલ ગણાતી ટેકનિક્સ પર પકડ મજબૂત કરી.

હવે નજર ઓલિમ્પિક્સ પર
હોંગકોંગથી ફોન પર વાતચીત દરમિયાન રાહુલે પોતાની ખુશી વ્યક્ત કરતા ગુજરાત સરકાર અને પોતાના કોચનો આભાર માન્યો હતો. રાહુલે જણાવ્યું, "ગુજરાત સરકારે અમને જે વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને તકો આપી છે તેના કારણે જ આ શક્ય બન્યું છે. હવે મારું આગામી લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતીય ત્રિરંગો લહેરાવવાનું છે, અને તે માટે હું રાત-દિવસ મહેનત કરવા તૈયાર છું."
જે કિશોર ક્યારેક મેદાનની બહાર ઊભો રહીને માત્ર ખેલાડીઓને જોતો હતો, તે આજે એશિયાના વિજેતા મંચ (પોડિયમ) પર સન્માનભેર ઊભો છે. રાહુલની આ પ્રેરણાદાયી ગાથા સાબિત કરે છે કે જો અથાક પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ હોય, તો ગ્રાસરૂટ્સ સ્તરેથી નીકળેલી પ્રતિભા પણ વૈશ્વિક મંચ પર ઈતિહાસ રચી શકે છે.કોચ શિવમ ઉપાધ્યાય, ધર્મેન્દ્ર પરમાર અને સતેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ રાહુલે ડેકાથલોન અને અન્ય સંયુક્ત ઇવેન્ટ્સમાં સતત ઉત્તમ પ્રદર્શન કર્યું અને ધીમે ધીમે એક આશાસ્પદ એથ્લેટ તરીકે પોતાની ઓળખ ઉભી કરી.


