Gujarat

વાપીમાં માનવતાને શર્મસાર કરતા દૃશ્યો: અકસ્માત બાદ રાહદારી પરથી 20 મિનિટ સુધી પસાર થતા રહ્યાં વાહનો, યુવકનું કરૂણ મોત

By GS Team
29 Mar 20262 mins read
TukuTouch Logo
હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પછી એક વાહનો પસાર થઈ રહ્યા છે અને અકસ્માત સર્જનાર ચાલક પણ ફરાર થઈ ગયો છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીમાં માનવતાને શર્મસાર કરતા દૃશ્યો: અકસ્માત બાદ રાહદારી પરથી 20 મિનિટ સુધી પસાર થતા રહ્યાં વાહનો, યુવકનું કરૂણ મોત
AI IMAGE

Vapi News: દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપીના બલીઠા હાઈવે પર શનિવારે રાત્રે એક એવી ઘટના બની જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત થયા બાદ પણ રસ્તા પર પડેલા તેના દેહ પરથી અનેક વાહનો પસાર થતા રહ્યા, પરંતુ કોઈએ માનવતા દાખવી વાહન થોભાવવાની તસ્દી લીધી નહીં. ભલભલા પથ્થર દિલના માનવીના રૂંવાડા ઉભા કરી દે તેવા આ દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

મોતનો 20 મિનિટનો ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે શનિવારે રાત્રે બલીઠા હાઈવે પર પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, રાહદારી મહિલા ફંગોળાઇને સીધી ડિવાઈડરની દીવાલ પર પટકાયા હતા અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

દુર્ઘટના અહીં જ અટકી નહોતી. પ્રાથમિક અકસ્માત બાદ અન્ય એક અજાણ્યા વાહને ફરીથી આ રાહદારીને અડફટે લેતા તેનો મૃતદેહ રોડની વચ્ચે આવી પડ્યો હતો. ત્યારબાદ લગભગ 20 મિનિટ સુધી હાઈવે પરથી પસાર થતા અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થઈ ગયા હતા. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા દેહને જોઈને પણ કોઇ વાહનચાલકે માનવતા દાખવી નહોતી. જે માનવતા પર મોટા સવાલ ઉભા કરે છે.

આ પણ વાંચો : યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં

CCTVમાં કેદ થઈ ક્રૂરતા

હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પછી એક વાહનો પસાર થઈ રહ્યા છે અને અકસ્માત સર્જનાર ચાલક પણ ફરાર થઈ ગયો છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ વાપી ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તા પરથી મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ચલા સીએચસી (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહનચાલકોની શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર બનેલી આ ઘટનાએ સુરક્ષા અને લોકોની સંવેદનહીનતા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

વાપીમાં માનવતાને શર્મસાર કરતા દૃશ્યો: અકસ્માત બાદ રાહદારી પરથી 20 મિનિટ સુધી પસાર થતા રહ્યાં વાહનો, યુવકનું કરૂણ મોત | Gujarat Samachar