Plastic raw material price hike: અમેરિકન પ્રમુખ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ ગયો છે. તેની સીધી અસર પ્લાસ્ટિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. છેલ્લા 20થી 25 દિવસમાં જ પ્લાસ્ટિકના દાણા બનાવતા એકમોએ ભાવમાં ચારથી પાંચ વાર વધારો કર્યો છે, જેને કારણે પ્લાસ્ટિકની બોટલ, ઓટો પાર્ટ્સ, મશીનરીના પાર્ટ્સ અને રમકડાં જેવી ચીજવસ્તુઓ બનાવતા ઉત્પાદકોની હાલત કફોડી બની ગઈ છે.
નાના ઉદ્યોગો મરણપથારીએ
વધતા ભાવને કારણે પ્લાસ્ટિકના ઉત્પાદનો બનાવતા અતિ નાના અને મધ્યમ કક્ષાના એકમો(MSMEs) માટે વધારાની મૂડી રોકવી અત્યંત કઠિન બની ગઈ છે. કાચા માલના ભાવમાં થયેલા અસહ્ય વધારાને પગલે આ એકમો અત્યારે મરણપથારીએ છે.
ઉત્પાદન ઠપ થવાની ભીતિ
પ્લાસ્ટિકના દાણા ખરીદવા માટે હવે અગાઉ કરતાં 50થી 70 ટકા વધુ રકમની જરૂર પડી રહી છે. આટલું મોટું રોકાણ કરવું નાના ઉદ્યોગકારો માટે અશક્ય હોવાથી ઘણા એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે અને તેઓ મોટી આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે.
ભાવમાં તોતિંગ ઉછાળો
માત્ર એકથી સવા મહિના પહેલાં પ્લાસ્ટિકના દાણાનો જે ભાવ કિલોદીઠ રૂ. 100 હતો, તે અત્યારે વધીને રૂ. 150થી રૂ. 170 સુધી પહોંચી ગયો છે. કાચા માલના ભાવમાં આવેલા આ આકસ્મિક ઉછાળાએ સમગ્ર પ્લાસ્ટિક ઉદ્યોગની કમર તોડી નાખી છે.
જૂના ઓર્ડર પર નુકસાનીનો માર
પ્લાસ્ટિક ઉદ્યોગ હાલમાં બેવડા મારનો સામનો કરી રહ્યો છે. જે ઉત્પાદકો પાસે જૂના ઓર્ડર બાકી છે, તેઓ તે પૂરા કરવા જાય તો તેમને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. ઉદાહરણ તરીકે, 200 એમ.એલ.ની જે પાણીની બોટલની પડતર કિંમત અગાઉ રૂ. 1.10 હતી, તે હવે વધીને રૂ. 1.45 થઈ ગઈ છે. પ્લાસ્ટિકના દાણાના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ઉત્પાદન એકમો જૂના ભાવે ઓર્ડર પૂરા કરવામાં અસમર્થ બન્યા છે, જ્યારે બીજી તરફ ગ્રાહકો માટે પણ પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ મોંઘી થઈ રહી છે.

શ્રમિકોનું પલાયન અને નિકાસ પર અસર
ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડતા કામદારોની નોકરીઓ પર જોખમ ઊભું થયું છે. પરિણામે, અનેક શ્રમિકો અમદાવાદ અને ગુજરાત છોડીને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે. આ ઉપરાંત, નૂરદરમાં 200 ટકાનો વધારો થવાથી હાલાકીમાં ઓર વધારો થયો છે. જહાજોની અવરજવર ખોરવાતા અને સમયસર ડિલિવરી ન થવાને કારણે નિકાસના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે, જેનાથી એક્સપોર્ટ માર્કેટને મોટું નુકસાન પહોંચ્યું છે.
ટેક્સ અને ધિરાણની માગણીઓ
પ્લાસ્ટિકના દાણાના ભાવ 50થી 70 ટકા વધી જતાં જીએસટીના ભારણમાં પણ વધારો થયો છે. આ સ્થિતિમાં ઉત્પાદકોએ જીએસટીનો દર ઘટાડીને 5 ટકા કરવાની માગ કરી છે. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખે રજૂઆત કરી છે કે:
- વર્કિંગ કેપિટલની જરૂરિયાત સંતોષવા માટે કૉલેટરલ વિના 50 ટકા વધુ ધિરાણ આપવામાં આવે.
- વ્યાજના દરમાં માફી આપવામાં આવે.
- નિકાસ જાળવી રાખવા માટે આયાત શુલ્કમાં ઘટાડો કરવામાં આવે.
અન્ય ઉદ્યોગો પર માઠી અસર
પ્લાસ્ટિક ઉદ્યોગમાં સર્જાયેલી આ કટોકટીની અસર માત્ર એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, ફાર્માસ્યૂટિકલ(બ્લિસ્ટર પેકિંગ), લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ ડિવાઈસ સહિતના અનેક ઉદ્યોગો આનાથી પ્રભાવિત થયા છે.
નવી પોલિસીની અનિવાર્યતા
ગુજરાત સરકાર પાસે નવી પ્લાસ્ટિક પોલિસી જાહેર કરવાની પણ માગણી કરવામાં આવી છે. જૂની પોલિસી હેઠળ મળતા લાભો ડિસેમ્બર 2025થી બંધ થઈ ગયા હોવાથી, ઉદ્યોગને ફરી બેઠો કરવા માટે નવી નીતિ જાહેર કરવી અત્યંત જરૂરી છે. આ સાથે જ રિસાઈકલ કરેલા મટિરિયલના વપરાશના ધોરણોમાં પણ યોગ્ય ફેરફાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
સમસ્યામાંથી બહાર નીકળવા પ્લાસ્ટિક ઉદ્યોગની માગણીઓ
- ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી આપો
- મૂડી વધુ લગાવવી પડતી હોવાથી બેન્ક લોન પરનું વ્યાજ માફ કરાવી આપો
- સરકાર પ્લાસ્ટિકના દાણાનો ભાવને સ્થિર રાખવા પગલાં લે
- અતિશય નાના અને નાના એકમોના ફાઈનાન્સની અલગ વ્યવસ્થા કરે
- શિપિંગ કંપનીઓ દ્વારા લેવાતા લેટ ડિલીવરી ચાર્જ બંધ કરાવો
- 31 ડિસેમ્બરથી બંધ થયેલી એક્ઝિબિશનમાં ભાગ લેનારાઓને અપાતી સબસિડી પાછી ચાલુ કરાવો
- પ્લાસ્ટિકની પેન્ડિંગ રૂ. 4000થી 5000 કરોડની સબસિડી રીલીઝ કરો
- પ્લાસ્ટિકનું રિસાઈક્લિંગ કરતાં એકમોની મશીનરી પર અપાતી સબસિડીવધારી આપો.
- રિસાઈકિલંગના ચાર પાર્ક બનાવવાની જાહેરાત કરી રિસાઈકિલંગને વેગ આપે
- અતિનાના અને નાના એકમોને પ્લાસ્ટિકના દાણા મળી રહે તે માટે અલગથી ક્વોટા રિઝર્વ કરાવા
- પોલીમર્સના ભાવમાં મોટો ચઢાવ-ઉતાર ન આવે તે માટે નિયંત્રણ મૂકો.


