Get The App

વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આદેશ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આદેશ 1 - image


Vapi News: વાપીના છીરી વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાના ચકચારી કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારવાની સાથે પીડિતાને આર્થિક સહાયનો પણ આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, વર્ષ 2023માં વાપીના છીરી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની 13 વર્ષીય સગીરાને પડોશમાં જ રહેતા કિશન ખેલારી વર્માએ પ્રેમજાળમાં ફસાવી હતી. 13 સપ્ટેમ્બર 2023ના રોજ, સગીરા જ્યારે મોપેડ શીખવા નીકળી હતી ત્યારે આરોપી તેનું અપહરણ કરી મહારાષ્ટ્રના કોલ્હાપુર ભગાડી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન બંને કોલ્હાપુરથી મળી આવ્યા હતા. મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું કે સગારીને આરોપીના કૃત્યના કારણે દોઢ મહિનાનો ગર્ભ રહી ગયો હતો.

આ કેસ વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં જજ એચ.એન. વકીલ સમક્ષ ચાલી ગયો હતો. સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ પીડિતાની જુબાની, મેડિકલ રિપોર્ટ અને અન્ય ટેકનિકલ પુરાવાઓ રજૂ કરી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: ગૌહત્યા અટકાવવા ગયેલા ગૌરક્ષકો અને પોલીસ પર 50 લોકોના ટોળાનો હુમલો, સુરતના હથોડા ગામની ઘટના

કોર્ટે આરોપી કિશન વર્માને પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પીડિતાની સ્થિતિને ધ્યાને રાખી કોર્ટે 'ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ' હેઠળ તેને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

કાયદાનું કડક વલણ

સગીર વયની બાળકીઓ સાથે થતા આવા ગુનાઓમાં સમાજમાં દાખલો બેસે તે હેતુથી કોર્ટે આ મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાલ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યાપી છે.