Get The App

'સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!', વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
'સારો રસ્તો શોધો અને રૂ. 1,000 જીતો!', વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર 1 - image


Vadodara News: સ્માર્ટ સિટી વડોદરાના રસ્તાઓની હાલત એટલી હદે બિસ્માર બની છે કે હવે વિપક્ષ દ્વારા ગાંધીગીરીના માર્ગે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 12માં કોંગ્રેસના એક કાર્યકરે તૂટેલા રસ્તાઓ મુદ્દે તંત્રની ઊંઘ ઉડાડવા માટે 'ઇનામ'ની જાહેરાત કરી છે, જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

કાર પર બેનરો લગાવી અનોખો દેખાવ

વોર્ડ નંબર 12માં કોંગ્રેસ કાર્યકરે પોતાની કાર પર તૂટેલા રસ્તા, ખુલ્લી ગટરના ઢાંકણા અને થીગડા મારેલા (પેચવર્ક) રસ્તાઓના ફોટા સાથેના બેનરો લગાવીને અનોખો પ્રચાર કર્યો હતો. તેણે જાહેરમાં જાહેરાત કરી છે કે, વોર્ડમાં કોઈપણ વ્યક્તિ જો 1થી 1.5 કિલોમીટર સુધીનો પેચવર્ક વગરનો સારો રસ્તો બતાવશે, તો તેને 1,000 રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવશે.

તંત્ર પર આકરા પ્રહાર 

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસક પક્ષ પર કટાક્ષ કરતા કોંગ્રેસ કાર્યકરે જણાવ્યું હતું કે, 'મને વડોદરા કોર્પોરેશનના હોદ્દેદારો પર એટલો અતૂટ વિશ્વાસ છે કે મારે આ ઇનામ કોઈને આપવું જ નહીં પડે. કારણ કે આખા વોર્ડમાં એવો એક પણ રસ્તો નથી કે જે ખોદાયો ન હોય અથવા તેના પર થીગડાં ન મરાયા હોય.'

આ પણ વાંચો: સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકું

જનતાના સ્વાસ્થ્ય અને શહેરની છબી સાથે ચેડાં

કાર્યકરે રસ્તાઓની ખરાબ હાલતથી થતા નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેણે જમાવ્યું હતું કે, 'ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકોને કમર અને મણકાના દુ:ખાવા જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. ગટરના તૂટેલા ઢાંકણા અને ખાડાઓને કારણે અકસ્માતની સંભાવના વધી રહી છે. દેશ-વિદેશના મહેમાનો અને ખેલાડીઓ જ્યારે વડોદરાની મુલાકાતે આવે ત્યારે આવા રસ્તાઓ જોઈ વડોદરાની છબી વૈશ્વિક સ્તરે ખરાબ થાય છે.'

જનતાને જાગૃત થવા આહ્વાન

કાર્યકરે વોર્ડ નં. 12 ની જનતાને પણ અપીલ કરી છે કે જો હજુ પણ અવાજ ઉઠાવવામાં નહીં આવે તો મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધતી જશે. તેમણે કોર્પોરેશન પાસે તાત્કાલિક ધોરણે ટકાઉ અને નવા રસ્તા બનાવવાની માગ કરી છે.