વડોદરા,ક્રિપ્ટો કરન્સી લેવા માટે આપેલા ૬૭ લાખ રૃપિયા પરત લેવા માટે ચાર આરોપીઓએ મધ્યસ્થી બનનાર વડોદરાના શખ્સના પુત્રને અપહરણ કરીને લઇ ગયા હતા. પોલીસે આખી રાત પીછો કરી અપહૃતને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
મકરપુરા બસ ડેપોની પાછળ શિવશક્તિનગરમાં રહેતા નિલેશકુમાર મનુભાઇ ચૌહાણ દુબઇની એક કંપનીમાં માર્કેેટિંગ મેનેજર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૫ મી એપ્રિલે હું મારા ઘરે હતો. તે દરમિયાન અગાઉ મારી સાથે દુબઇમાં નોકરી કરતા અને અમદાવાદ રહેતા ખુશીલ ઉર્ફે ગોપુ જયેશભાઇ સોની (રહે. ચંાદખેડા, અમદાવાદ) એ મને કોલ કરીને યુ.એસ.ડી.ટી. નામની ક્રિપ્ટો કરન્સી અંગે પૂછતા મેં તપાસ કરીને જણાવવાનું કહ્યું હતું. યુ.એસ.ડી.ટી.નું કામ કરતા તેજસ ભટ્ટને વાત કરી હતી. ત્યારબાદ તેજસ ભટ્ટ, ખુશીલ ઉર્ફે ગોપુ તથા તેના મિત્ર કુલદિપને એકબીજાના નંબર આપી દીધા હતા.
થોડાદિવસ પછી એક અજાણ્યા નંબર પરથી મને કોલ આવ્યો હતો અને મને કહ્યું કે, યુ.એસ.ડી.ટી. આપવાના છે કે કેમ ? પરંતુ, તેણે મારી સાથે યોગ્ય રીતે વાત નહીં કરતા મેં ફોન કટ કરી દીધો હતો.ગત ૨૧ મી તારીખે હું મારા મામાના ઘરે વડસર હતો. મારો પુત્ર આદિત્ય ઉર્ફે લક્કી અમારા બીજા ઘરે સરસ્વતી ટાઉનશિપમાં સફાઇના કામકાજ માટે ગયો હતો. મારા પુત્રનું અપહરણ થયું હોવાનું જાણવા મળતા હું ત્યાં દોડી ગયો હતો. સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા. મને જાણવા મળ્યું કે, ચાર આરોપીઓ ફોર વ્હિલર લઇને આવ્યા હતા. તેઓ મારા પુત્ર આદિત્ય અને તેના મિત્ર વિશાલને ઢસડીને સોસાયટીના બહારના રસ્તા સુધી લઇ જઇ કારમાં લઇ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પોલીસે એક ટીમ બનાવી આરોપીઓના મોબાઇલ લોકેશન અને કારના સીસીટીવી ફૂટેજના આધારે અંદાજે ૧૫૦ કિલોમીટર સુધી સતત પીછો કરી આરોપીઓને પ્રાંતિજ નજીકથી ઝડપી પાડી અપહૃતને મુક્ત કરાવ્યો હતો. પોલીસે એક મહિલા સહિત ચારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક યુવકને અપહરણકારોએ હાલોલ નજીક ઉતારી દીધો
વડોદરા,
અપહરણકારોએ રાત્રે સાડા દશ વાગ્યે વિશાલને હાલોલ પાસને વેલી હોટલ નજીક ઉતારી દીધો હતો. ત્યારબાદ તેઓ કારમાં આદિત્યને લઇને આગળ જતા રહ્યા હોવાનું વિશાલે ફોન કરીને ફરિયાદી નિલેશ ચૌહાણને જણાવ્યું હતું. રાત્રે દોઢ વાગ્યે ખુશીલ ઉર્ફે ગોપુએ મને કોલ કરી જણાવ્યું હતું કે, રૃપિયાનું શું કરવાનું છે. મેં ગુસ્સે થઇને એવો જવાબ આપ્યો કે, મારા દીકરાને કેમ ઉઠાવી ગયા છો,પોલીસ તમારી પાછળ આવે છે. તેણે ફોન કટ કરી દીધો હતો.
અમદાવાદથી આંગડિયા પેઢી મારફતે રૃપિયા મોકલ્યા હતા
વડોદરા,
પોલીસે આ ગુનામાં (૧) સુરેશ કાળાભાઇ વણકર (૨) કૈલાસબેન સુરેશભાઇ વણકર (બંને રહે. પ્રાંતિજ) (૩) કુલદિપ હરજીભાઇ ચૌધરી (રહે. રાણીપ, અમદાવાદ, મૂળ રહે.બનાસકાંઠા) તથા (૪) ખુશીલ જયેશભાઇ સોની (રહે. ચાંદખેડા, અમદાવાદ) ને ઝડપી પાડયા છે. ક્રિપ્ટો કરન્સી લેવા માટે આરોપીઓએ અમદાવાદથી આંગડિયા પેઢી મારફતે મુંબઇના તેજસ ભટ્ટને રૃપિયા મોકલ્યા હતા.


