Vadodara Waghodia Wife Murder Case: વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના હાંસાપુરા ગામે માત્ર 3 મહિના પહેલાં જ પરણીને આવેલી પત્નીની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા પતિને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, વૈજ્ઞાનિક પુરાવાઓ અને સાક્ષીઓની કડીબદ્ધ જુબાનીઓ આરોપીના ગુનાહિત કૃત્યને શંકા રહિત રીતે સાબિત કરે છે.
બનાવની વિગત એવી છે કે, હાંસાપુરા ગામના બાર ફળિયામાં રહેતા આરોપી રઘુવીરસિંહને ગામની જ એક અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ તેની પત્ની સ્નેહાને થઈ ગઈ હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ 27 જુલાઈ 2024ના રોજ મોડી રાત્રે આશરે 1:45 વાગ્યે પત્નીના ગળાના ભાગે ઉપરાછાપરી છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ બનાવ અંગે રઘુવીરસિંહ ઉર્ફે રઘુસિંહ વિજયસિંહ ચૌહાણ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને ગુનામાં વપરાયેલું ચપ્પુ તથા લોહીવાળાં કપડાં કબજે કર્યાં હતાં.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે, બનાવ ઘરના આંગણામાં જ બન્યો હોવાથી આરોપી પાસે ગુનો આચરવાની પૂરી તક હતી. આ ઉપરાંત, તેના લોહીવાળા બનીયાન અને આરોપીએ પોતે શોધી આપેલા ચપ્પુ પરથી મૃતકનું જ 'O' ગ્રુપનું લોહી મળી આવ્યું છે. આ કેસમાં 16 મૌખિક સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 31 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશે તમામ પુરાવાઓને ધ્યાને રાખી આરોપી રઘુવીરસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી.


