Vadodara Fraud Case : વડોદરામાં ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી એક શિક્ષિત યુવતી સાથે છેતરપિંડીનો અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. યુવતીને પોતે ઠગાઈ હોવાનું જણાતા આખરે સયાજીગંજ પોલીસની મદદ લીધી છે.
યુવતીએ મિત્રતાના નામે મુકેલા ભરોસાનો ગેરલાભ ઉઠાવનાર યુવકનું નામ જયન્ત પ્રવીણભાઈ વસાવા (કેસલુ ગામ, આમોદ, ભરૂચ) હોવાનું બહાર આવ્યું છે. ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતીએ સપ્ટેમ્બર 2025 માં સોશિયલ મીડિયા પર જયંતની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે મેસેજથી વાતચીત શરૂ થઈ હતી.
એકાદ મહિના બાદ જયંતે રૂબરૂમાં મળવાનો આગ્રહ કરતાં રેલ્વે સ્ટેશન પાસેની એક નાની રેસ્ટોરમાં બંને વચ્ચે પહેલી મુલાકાત થઈ હતી. યુવકે બીજા દિવસે ફરી ફતેગંજના કાફેમાં મુલાકાત કરી હતી અને યુવતી સાથે સંબંધો આગળ વધાર્યા હતા.
યુવતીએ વિશ્વાસ મૂકીને જયંતને પોતાના બ્રેકઅપ વિશે વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે હજી પણ હું એક્સ બોયફ્રેન્ડને ચાહું છું તેમજ તેની સાથે સંબંધ રાખવા તૈયાર છું. યુવતીની આ વાતનો જયંતે લાભ ઉઠાવી લીધો હતો અને કહ્યું હતું કે મારી પાસે એક ભુવાજી છે જે તારા જુના પ્રેમીને તારી જિંદગીમાં પાછા લાવી દેશે. પરંતુ આ માટે 30,000 જેટલો ખર્ચો કરવો પડશે.
જુના બોયફ્રેન્ડને જિંદગીમાં પાછો લાવવા માટે યુવતીએ જયંતને 30 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ જયંતે કહ્યું હતું કે ભુવાએ તારી વિધિ ચાલુ કરી છે પણ હજી વધુ ખર્ચો થાય તેમ છે. યુવતીએ પૈસા નહિ હોવાનું કહેતા જયંતે તેની પાસે દાગીના માંગ્યા હતા. તેણે કહ્યું હતું કે દાગીના ગીરવી મૂકીને પૈસા મેળવી લઈશ અને કામ પતશે એટલે દાગીના પાછા છોડાવી દઈશ.
યુવતીએ પોલીસને કહ્યું છે કે, છેલ્લા છ માસ દરમ્યાન મેં જયંતને રોકડા રૂ.30 હજાર અને રૂ.3.66 લાખના દાગીના આપી દીધા છે. આ ઉપરાંત તેણે એક એપ ડાઉનલોડ કરાવી ઇન્સ્ટન્ટ લોન પેટે 6000 રૂપિયા પણ ટ્રાન્સફર કરી લીધા હતા. પરંતુ રૂ.4.02 લાખની મતા આપ્યા પછી પણ આજ સુધી મારું કામ થયું નથી કે દાગીના પરત મળ્યા નથી. જયંતે મારા દાગીના સુરતના કાપોદ્રા ખાતે રહેતા જયેશ ઉર્ફે જીગર ગોવિંદ ભાઈ પટેલને ગીરવી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે જયંત વસાવા અને જયેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે.


