Get The App

વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો 1 - image

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં કાકા-ભત્રીજાને માર મારવાની ઘટના સામે આવી છે. રીક્ષા ધીમી ચલાવવાનું કહેતા રીક્ષા ચાલકે પોતાના બે સાગરીતો સાથે મળી હુમલો કરતા મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો છે.

નવાપુરા માળી મહોલ્લામાં રહેતો અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો જયરાજ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 28 માર્ચે રાત્રે અંદાજે 7:00 વાગ્યે ઘર નજીક કોઈ ઝઘડો થતાં જયરાજ બહાર ત્યાં પહોંચ્યો હતો. તે સમયે તેના કાકા સંદીપભાઈ ઠાકોર (રહે. સુંદરપુરા ગામ) સાથે રીક્ષા ચાલક સાબીર શેખ રીક્ષા ધીમી ચલાવવા મુદ્દે ઉગ્ર બોલાચાલી કરી રહ્યો હતો.

આ દરમિયાન રીક્ષા ચાલકે સંદીપભાઈને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, થોડીવાર બાદ જ્યારે સંદીપભાઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે શરાફી હોલ પાસે સાબીર શેખ પોતાના બે સાગરીતો સાથે ફરી આવી પહોંચ્યો હતો અને સંદીપભાઈ પર હુમલો કર્યો હતો.

કાકાને બચાવવા માટે જયરાજ વચ્ચે પડતા હુમલાખોરોએ તેમને પણ માર માર્યો હતો. ઘટનાના પગલે બંનેને ઈજા પહોંચી હતી.

ઉક્ત બનાવ અંગે નવાપુરા પોલીસે ફરિયાદના આધારે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.