Get The App

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ 1 - image

Vadodara Police Bust Hybrid Ganja Racket: વડોદરા શહેરમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કમર કસી છે. થોડા સમય પૂર્વે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા ઝડપી પાડવામાં આવેલા 10 કિલો સામાન્ય ગાંજા અને અત્યંત મોંઘા ગણાતા 'હાઇબ્રીડ ગાંજા'ના રેકેટમાં પોલીસે વધુ બે શખસોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.

ગોરવાથી શરૂ થયેલી તપાસના તાર રતલામ સુધી જોડાયા

મળતી માહિતી અનુસાર, આ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ કેસની વિગત એવી છે કે, વડોદરા એસઓજીએ સૌપ્રથમ ગોરવા વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા રાજેન્દ્ર બિંદ નામના શખસને ઝડપી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછ દરમિયાન આ નેટવર્કમાં સામેલ અન્ય બે સાગરીતો અને મધ્ય પ્રદેશના રતલામથી ગાંજો સપ્લાય કરનારા મુખ્ય વચેટીયા મોહન નીનામાનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોહનની પણ ધરપકડ કરી લીધી હતી.

આ પણ વાંચો: ભાજપ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ, દેડિયાપાડામાં પોતાની જ પાર્ટીના નેતાઓને જાહેરમાં ખખડાવ્યા

રૂ. 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત, રિઝવાનની સંડોવણી ખુલી

પોલીસ કસ્ટડી દરમિયાન સપ્લાયર મોહન નીનામાએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, મોહન ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો વડોદરા લાવતો હતો અને અહીં આજવા રોડ પર રહેતા રિઝવાન દીવાન નામના ડ્રગ્સ પેડલરને પહોંચાડતો હતો. આ સગડ મળતા જ પોલીસે રિઝવાન દીવાનની પણ અટકાયત કરી હતી. પોલીસે આ સમગ્ર ઓપરેશન દરમિયાન 10 કિલો સામાન્ય ગાંજો અને 77 ગ્રામ કિંમતી હાઇબ્રીડ ગાંજો મળીને કુલ 7 લાખ રૂપિયાથી વધુની કિંમતનો નશાનો જથ્થો જપ્ત કર્યો હતો.

હાઇબ્રીડ ગાંજો સપ્લાય કરનાર ‘કાનો’ પણ જેલભેગો

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું હતું કે, આ રેકેટમાં પકડાયેલો હાઇબ્રીડ ગાંજો જયેશ ઉર્ફે કાનો નીતિનસિંહ ચૌહાણ (રહે. અંબાલાલ પ્રજાપતિનું મકાન, સહયોગ સોસાયટી, સમા રોડ, વડોદરા) દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. એસઓજીએ બાતમીના આધારે જયેશ ઉર્ફે કાનાની પણ ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે જયેશ આ હાઈબ્રીડ ગાંજો ક્યાંથી અને કોની પાસેથી મેળવતો હતો. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.