વડોદરા: પાદરાના ભોજ ગામે ફરજ પરના BLOની તબિયત લથડી, ચક્કર આવતા હૉસ્પિટલ ખસેડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BLO faints on duty Vadodara: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામે આજે સવારે મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન એક ચિંતાજનક ઘટના બની હતી. ફરજ બજાવતા બ્લોક લેવલ ઑફિસર(BLO)ની તબિયત અચાનક લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર BLO ભોજ ગામમાં પોતાની નિયત ફરજ બજાવી રહ્યા હતા. તેઓ મતદાર યાદીની ચકાસણી માટે ડોર ટુ ડોર કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમને ચક્કર આવ્યા હતા અને તેઓ ત્યાં જ જમીન પર બેસી ગયા હતા. આ બનાવને પગલે સાથે રહેલા સહકર્મીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી BLOને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે પાદરાની હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
હૉસ્પિટલના સૂત્રો અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર હાલ BLOની તબિયત સ્થિર છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ફરજ દરમિયાન કર્મચારીની તબિયત બગડતાં થોડીવાર માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર સારવાર મળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના અંગે પાદરા તાલુકા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે.








