Gujarat

વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું... ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ

By GS TEAM
5 Nov 20253 mins read
TukuTouch Logo
વડોદરાના મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેક્ટરી ધરાવતા ઉદ્યોગપતિને GST રેડના નામે બદનામ કરવાની અને 'મીડિયા ટ્રાયલ' ચલાવવાની ધમકી આપીને રૂ. પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક ન્યૂઝ ચેનલના ચીફ મેનેજિંગ ડિરેક્ટરની ઓળખ આપનારા ગિરીશ નાનજીભાઇ સોલંકી સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરાયો છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, આરોપીએ ફેક્ટરી માલિકના પુત્રનું અપહરણ કરવાની અને બંદૂકથી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ન્યૂઝ ચેનલનો CMD છું... ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરી રૂ.5 લાખની ખંડણીની માંગ

Vadodara Crime News: વડોદરાના મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેક્ટરી ધરાવતા ઉદ્યોગપતિને GST રેડના નામે બદનામ કરવાની અને 'મીડિયા ટ્રાયલ' ચલાવવાની ધમકી આપીને રૂ. પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક ન્યૂઝ ચેનલના ચીફ મેનેજિંગ ડિરેક્ટરની ઓળખ આપનારા ગિરીશ નાનજીભાઇ સોલંકી સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરાયો છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, આરોપીએ ફેક્ટરી માલિકના પુત્રનું અપહરણ કરવાની અને બંદૂકથી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

પોલીસ ફરિયાદ મુજબ કલાલી બ્લુબેઝ ટાવરમાં રહેતા અનુપસિંહ પ્રિતમસિંહ ઠાકુર મકરપુરા જી.આઇ.ડી.સી.માં કે.પી.એન્જિનિયર્સ એન્ડ ફેબ્રિકેટર્સ નામની પેકેજિંગ ફેક્ટરીના માલિક છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, પાંચ વર્ષ પહેલાં મારી જ સોસાયટીના વિસેન્ઝા હાઇડેકના મલબરી ટાવરમાં ગિરીશ નાનજીભાઇ સોલંકી રહેવા આવ્યા હતા. તેઓ એક ન્યૂઝ ચેનલના ચીફ મેનેજિંગ ડિરેક્ટર હોવાનું કહીને સોસાયટીના અનેક રહીશોને ધમકાવતા હતા. આ મુદ્દે અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેમને ગાળાગાળી કરીને ધમકી આપી હતી. એટલું જ નહીં, તેમણે અપશબ્દો બોલીને કહ્યું હતું કે ‘તારા છોકરાને હું ઉઠાવી જઇશ, જીવતો પણ નહીં મળે. તારામાં તાકાત હોય તો મારી ઓફિસે આવ.' ત્યારબાદ અમે ગિરીશભાઇ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

સોસાયટીના ગ્રૂપમાં મેસેજ મૂકીને બ્લેકમેલિંગ  

આ દરમિયાન આઠમી ઓગસ્ટે ગિરીશભાઇએ સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો હતો કે, 'આપણી સોસાયટીના રહીશ અને મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેક્ટરી ધરાવતા વ્યક્તિને ત્યાં 8 મહિના અગાઉ જીએસટીના દરોડા પડ્યા હતા. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીના માલિક અને જીએસટી અધિકારીએ રૂ. 25 લાખમાં આ કેસ રફેદફે કરી દીધો છે. આ બંને પર એક્શન લેવડાવીશ, મીડિયા ટ્રાયલ ચાલુ કરાવીશ.'

સાંજ સુધી 5 લાખ રૂપિયા ઓફિસે પહોંચાડવાની ધમકી

ફરિયાદીના જણાવ્યા મુજબ, બીજે દિવસે તેઓ ઓફિસે જતા હતા ત્યારે એક અજાણી વ્યક્તિ મોંઢા પર રૂમાલ બાંધીને આવી હતી અને ધમકી આપી હતી કે, 'તારા કરતૂતો ન્યૂઝ ચેનલમાં જાહેર ના કરવા હોય તો ગિરીશભાઇએ પાંચ લાખ મંગાવ્યા છે. સાંજ સુધીમાં ઓફિસે પહોંચતા કરી દેજે. નહીંતર તું અને તારી ફેક્ટરી ખોવાઇ જશે.'

બંદૂક 'ફૂલ્લી લોડેડ' હોવાની ધમકી 

જો કે, અનુપસિંહે પૈસા નહીં પહોંચાડતા ગિરીશભાઇએ ફરીથી 4થી નવેમ્બરે (મંગળવારે) વોટ્સએપ ગ્રૂપમાં અનુપસિંહ વિશે અપશબ્દો વાપર્યા હતા. તેમજ પોતે અસલ દસ્તાવેજો આપીને બંદૂકનું લાયસન્સ લીધું છે અને 'ફૂલ્લી લોડેડ' છે તેવા મેસેજ લખીને પણ ધમકી આપી હતી.

આરોપી સામે અઠવાડિયામાં ચોથી ફરિયાદ 

ઉલ્લેખનીય છે કે, ગિરીશ સોલંકી સામે તાજેતરમાં જ ખંડણી, હથિયાર બંધીનો ભંગ અને દારૂના ત્રણ કેસ ઉપરાછાપરી નોંધાયા છે. આ ચોથી ફરિયાદ છે. અગાઉ સોસાયટીની કમિટીના મેમ્બર પણ બનાવાયા હતા, પરંતુ અન્ય સભ્યો સાથે ઝઘડો કરીને ગાળાગાળી કરતા હોવાથી  ચાર વર્ષ પહેલા જ એક જનરલ મીટિંગ બોલાવીને કમિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

‘કોર્પોરેશનના ત્રણ અધિકારીને ઘર ભેગા કરાવ્યા છે’ 

ફેક્ટરી માલિક અનુપસિંહે પોલીસને જણાવ્યું હતું કે, ગિરીશ સોલંકી એવી પણ ધમકી આપતા હતા કે, 'જેને મારી વિરૃદ્ધ ફરિયાદ કરવી હોય એેને છૂટ છે. છેડતી અને બળાત્કારની ફરિયાદ કરવી હોય તો પણ છૂટ છે. કોર્પોરેશનના એચ.ઓ.ડી. સહિત ત્રણ ઓફિસરને ઘર ભેગા કરાવી દીધા છે. એ પણ અમારા ન્યૂઝની ઇમ્પેક્ટ છે.’