Get The App

વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ 1 - image


VMC Cleanliness Drive Controversy : વડોદરા શહેરમાં સફાઈ કામગીરીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વોર્ડ નં. 12 હેઠળ આવતી ઝવેરચંદ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દ્વારા માત્ર ફોટોગ્રાફ માટે કચરો નાખી કામગીરી બતાવાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, કોર્પોરેશનના કર્મચારી એક મકાન પાસે રહેલા ખાલી ડસ્ટબીનમાં કચરો નાખી રહ્યા છે. આ દરમિયાન સોસાયટીની મહિલાઓએ કર્મચારીઓને પ્રશ્ન કર્યો હતો કે “અહીં કચરો શા માટે નાખો છો?” તેના જવાબમાં કર્મચારીઓએ “કચરો પાછો લઈ લઈશું” એવું કહ્યું હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે.

ખાલી ડસ્ટબીનમાં કચરો નાખી કર્મચારી જતો રહ્યો...

સ્થાનિક મહિલાઓએ કર્મચારીઓને ઠપકો આપતાં કહ્યું હતું કે, 'સફાઈ કામગીરી વાસ્તવમાં કરવાની જગ્યાએ માત્ર ફોટા પાડી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.' મહિલાઓના વિરોધ બાદ કર્મચારીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. 

આ પણ વાંચો: છેલ્લા પાંચ મહિનામાં ગત્ વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં ખાસ્સો 49.7 ટકાનો ઘટાડો

સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરનાર એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ, કોર્પોરેશનના અંદાજે 20 જેટલા સફાઈ કામદારો સોસાયટીમાં પહોંચ્યા હતા. તેઓ દરેક ઘરના ગેટ પાસે સૂકો અને ભીનો કચરો ડસ્ટબીનમાં મૂકી ત્યારબાદ સાથે લાવેલા મોટા ડ્રમમાં તે કચરો ફરીથી ભેગો કરતા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. 

જાગૃત નાગરિકના મતે ભીના અને સૂકા કચરાને અલગ પાડવા અંગે લોકોને માર્ગદર્શન આપવાની જગ્યાએ માત્ર દેખાવ માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે.