Get The App

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના મુખમાંથી બચ્યા

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના મુખમાંથી બચ્યા 1 - image

Vadodara Kidnapping Case: ‘રામ રાખે તેને કોણ ચાખે’ આ કહેવત વડોદરાના છાણી વિસ્તારના એક પાન પાર્લરના સંચાલક માટે સાચી ઠરી છે. લૂંટના ઈરાદે વેપારીનું અપહરણ કરી, મધરાતે સોજીત્રા કેનાલના ઊંડા પાણીમાં ફેંકી દેવા છતાં, વેપારીએ મક્કમ મનોબળ અને કુદરતની મહેરબાનીથી આખી રાત કેનાલનો પીલર પકડી રાખી પોતાનો જીવ બચાવ્યો છે.

ફિલ્મી ઢબે અપહરણ અને લૂંટની ઘટના

મળતી માહિતી અનુસાર, છાણીના નંદનગરમાં રહેતા અને પાન પાર્લર ચલાવતા ગીરીશભાઈ પટેલ સાથે આઠમી એપ્રિલની રાત્રે આ ઘટના બની હતી. ગીરીશભાઈ રાત્રે દુકાન બંધ કરી સ્કૂટર પર ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે છાણી-સોખડા રોડ પર એક કાર ચાલકે જાણીજોઈને ટક્કર મારી તેમને પાડી દીધા હતા. કારમાંથી ઉતરેલા બે શખસોએ તેમને ખેંચીને કારમાં બેસાડી દીધા હતા. લૂંટારાઓએ તેમનો મોબાઈલ, રોકડ ભરેલું પર્સ અને એટીએમ કાર્ડ લૂંટી લીધું હતું. ડરાવી-ધમકાવીને એટીએમનો પિન નંબર પણ મેળવી લીધો હતો.

'આજે તેને પતાવી દેવો છે'

પીડિત ગીરીશભાઈના જણાવ્યાનુસાર, લૂંટારાઓ કારમાં સતત કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને 20થી 25 હજારની રકમ ટ્રાન્સફર કરવાની હિલચાલ કરી રહ્યા હતા. ગીરીશભાઈએ પોલીસને જણાવ્યું કે, 'આરોપીઓ અંદરોઅંદર વાતો કરતા હતા કે આજે મને પતાવી જ દેવો છે. લૂંટારાઓએ મને દેણા હાઈવે અને જીએસએફસી રોડ પર ફેરવ્યા બાદ મધરાતે સોજીત્રા કેનાલ પર લઈ ગયા હતા.'

આ પણ વાંચો: વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત

કેનાલમાં ફેંક્યા, પણ પીલર બની ગયો તારણહાર

ગીરીશભાઈએ પોલીસને જણાવ્યું કે, 'લૂંટારાઓએ મને કેનાલના બ્રિજ પરથી ઊંચકીને સીધા પાણીમાં ફેંકી દીધો હતો. પાણીમાં પડતા જ હું ડૂબવા લાગ્યા હતા, પરંતુ અંધારામાં મારા હાથમાં કેનાલનો પીલર આવી ગયો હતો અને મે જીવના જોખમે આ પીલર પકડી રાખ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓ થોડીવાર ઉપર ઊભા રહી તપાસ કરતા રહ્યા, પરંતુ હું દેખાયો નહીં એટલે તે 'વેપારી ડૂબી ગયો છે' તેમ માનીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.'

પીડિત ગીરીશભાઈએ જણાવ્યું કે, 'ભીના કપડે, ધ્રૂજતી કાયા સાથે હું આખી રાત કેનાલના પાણીમાં પીલર પકડીને પસાર કરી હતી. સવાર પડતા જ હું હિંમત કરીને બહાર નીકળ્યો અને નજીકના મકાનો સુધી પહોંચ્યા હતા. ત્યાંના સ્થાનિક લોકોની મદદથી મેં પત્નીને ફોન કર્યો અને લોકેશન મોકલ્યું હતું. પરિવાર આવી પહોંચતા મને તાત્કાલિક સારવાર અપાવી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.' હાલમાં સમગ્ર મામલે વડોદરા પોલીસે લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આ નિર્દયી લૂંટારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.