Get The App

વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ.ચિદમ્બરમ ટ્રોફી હાંસલ કરી

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના ક્રિકેટર નિત્ય પંડ્યાને BCCIનો નમન એવોર્ડ : કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ 881 રન ફટકારી એમ.એ.ચિદમ્બરમ ટ્રોફી હાંસલ કરી 1 - image

Vadodara : વડોદરાના યુવા ક્રિકેટર નિત્ય જિતેન્દ્ર પંડ્યાએ રાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કર્યું છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ) દ્વારા આયોજિત નમન એવોર્ડ્સ સમારોહમાં તેને વિશેષ સન્માન અપાયું છે.

19 વર્ષીય લેફ્ટ હેન્ડ બેટ્સમેન નિત્ય પંડ્યાને અંડર-19 કૂચ બિહાર ટ્રોફી (2024-25) દરમિયાન એલીટ ગ્રુપમાં સૌથી વધુ રન બનાવવા બદલ પ્રતિષ્ઠિત એમ.એ.ચિદમ્બરમ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ ટૂર્નામેન્ટમાં બરોડાની અંડર-19 ટીમે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ટીમે રમેલી તમામ પાંચ મેચોમાં વિજય મેળવ્યો હતો અને કુલ 34 પોઇન્ટ સાથે ગ્રૂપમાં અગ્રસ્થાને રહી હતી.

નિત્ય પંડ્યાનું બેટ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન બોલતું રહ્યું હતું. તેણે પાંચ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરતાં કુલ 881 રન ફટકાર્યા હતા, જેમાં ચાર શાનદાર સદીનો સમાવેશ થાય છે. તેની આ ઇનિંગ્સ દરમિયાન તેણે 124 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી સામે હાઈએસ્ટ 265 રનની મોટી ઇનિંગ્સ નોંધાવી હતી.

વડોદરાનો આ પ્રતિભાશાળી ખેલાડી હાલમાં શહેરના મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે નિયમિત પ્રેક્ટિસ કરી પોતાની રમતને વધુ ધારદાર બનાવી રહ્યો છે. તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી વડોદરા ક્રિકેટ જગતમાં આનંદની લાગણી ફેલાઈ છે. 

ક્રિકેટ જાણકારોના મત અનુસાર, નિત્ય પંડ્યાની આ સફળતા આગામી સમયમાં તેને ભારતીય ક્રિકેટના મોટા મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.