Vadodara Corporation : શિવરાત્રી નિમિત્તે વડોદરામાં સત્યમ શિવમ સુન્દરમ સંસ્થા દ્વારા શિવજી કી સવારી અને મહા આરતીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેનાર છે. ત્યારે ગઈકાલથી શિવરાત્રી સુધી સુરસાગરની આજુબાજુ ઊભા રહેતા લારી ગલ્લા તેમજ વડોદરા શહેરના જે રૂટ ઉપરથી વીઆઈપી મોમેન્ટ થવાની છે તે તમામ વિસ્તારોમાંથી લારી ગલ્લા હટાવવાની ઝુંબેશ કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે જેમાં બે દિવસ દરમિયાન 8 થી 10 ટ્રક ભરીને માલ જપ્ત કર્યો હતો.
એજ રીતે વડોદરા શહેરમાં ભૂતડી ઝાપાથી કારેલીબાગ માતાજીના મંદિર સુધીની સીમા મર્યાદા શુક્રવારે બજાર માટે કરાયા છતાં વધુ વિસ્તારમાં ફેરિયાઓએ પથારા લગાવતા પાલિકા તંત્ર એ એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.
શુક્રવારે બજાર માટે ભૂતડીઝાપા મેદાનથી કારેલીબાગ વિસ્તારના અંબા માતાના મંદિર સુધીની સીમા મર્યાદા લારી ગલ્લા પથારાવાળા માટે નક્કી કરવામાં આવી છે. આમ છતાં પણ કેટલાક પથારાવાળા આ સીમા મર્યાદાની બહાર દબાણ કરતા જણાયા હતા. પરિણામે ત્રાટકેલી પાલિકાની દબાણ શાખાએ સીમા મર્યાદા બહારના દબાણ રૂપ લારી ગલ્લા પથારાવાળાનો એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.


