Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગો વચ્ચે સંકલનના અભાવે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતાં મુખ્ય વરસાદી કાંસ કે વરસાદી ચેનલ પર અનેક જગ્યાએ ગેરકાયદે બાંધકામોને લીધે વરસાદી કાંસ અદૃશ્ય થઈ ગયા છે તો કેટલીક જગ્યાએ લારી ગલ્લાના દબાણો થઈ ગયા છે અથવા તો કેટલીક જગ્યાએ સ્લેબ મારી દીધા હોવાથી વરસાદી કાંસમાં પ્રિ મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. જેને કારણે ચોમાસા દરમિયાન ઠેર-ઠેર પાણી ભરાવાના પ્રશ્નો "જૈ સૈ થે" રહેશે તેમ માનવામાં આવે છે.
વડોદરા શહેરના મુખ્ય વરસાદી કાંસ ગણાતા ભૂખી કાંસ, મસિયા કાંસ, આજવા રોડ વાઘોડિયા રોડ વરસાદી કાસ, રૂપારેલ કાંસ, ગોત્રીથી લઈ ભાયલી અટલાદરા, થઈ સોખડા ખુર્દ ગામ સુધીનો અને બાંકો કાંસ સહિતના મુખ્ય વરસાદી કાંસો પર અનેક જગ્યા પર ગેરકાયદે એપાર્ટમેન્ટ કે મકાનો બંધાઈ જવાથી વરસાદી કાંસની પહોળાઈ અનેક જગ્યાએ સાંકળી થઈ ગઈ છે. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો વરસાદી કાંસ જ અદ્રશ્ય કરી દેવામાં આવ્યા છે. જ્યારે કેટલાક વરસાદી કાંસ પર સ્લેબ લગાવવા પાછળ કોર્પોરેશન દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો.
આ સમગ્ર વરસાદી કાંસની જે પરિસ્થિતિ થઈ છે તેના માટે કોર્પોરેશનનું તંત્ર જવાબદાર છે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ હોય કે ઝોન કક્ષાએથી બાંધકામની જે પરવાનગીઓ આપવામાં આવે છે તેમાં વરસાદી કાંસ થી કેટલા ફૂટ દૂર સુધી જગ્યા ખુલ્લી રાખવાની હોય છે તેના કોઈ ચોક્કસ નિયમનો અમલ કરવામાં નહીં આવતા અનેક જગ્યાએ ગેરકાયદે મકાનો અને એપાર્ટમેન્ટ થઈ ગયા છે. આજવા અને વાઘોડિયા રોડ પર તો વરસાદી કાંસ પર ધાર્મિક મંદિર તેમજ દબાણ થઈ ગયા છે. એ જ રીતે ભૂખી કાંસ પર દબાણ કરી બસ સ્ટેન્ડ બાંધવામાં આવ્યું તો કેટલીક જગ્યાએ મકાનો બાંધી દેવામાં આવ્યા છે. થોડા વર્ષ અગાઉ ભૂખી કાંસને કારણે એક એપાર્ટમેન્ટ નમી પડ્યું હતું. પ્રતાપગંજમાં તો એપાર્ટમેન્ટ અને હોટલો બંધાઈ ગઈ છે. એ જ રીતે રાજમહેલ રોડ પરથી શરૂ થતા મસિયા કાંસ પર ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે તો મકરપુરા વિસ્તારમાં કેટલીક સોસાયટીના રહીશોએ વરસાદી કાંસ પર દબાણ કરી દીધું છે.
વડોદરા શહેરના તમામ વરસાદી કાંસોમાં કોર્પોરેશન હોય કે પછી બિલ્ડરો દ્વારા ડ્રેનેજના કનેક્શન છોડી દેવામાં આવ્યા હોવાથી વરસાદી કાંસો ગટર ગંગા બની ગયા છે જેને કારણે મચ્છરોનો ત્રાસ પણ બારેમાસ રહે છે. ભાયલી અટલાદરા વિસ્તારમાંથી પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામ સુધી જતા વરસાદી કાંસની પ્રિમોન્સૂનની કામગીરીને ધ્યાનમાં રાખી સફાઈ કરવામાં આવી પરંતુ બિલ્ડરોએ ડ્રેનેજ કનેકશન વરસાદી કાંસમાં છોડી દેતા ગંદુ પાણી ચાપડ અને સમલાયા સહિતના ગામમાં જતું હોવાના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તપાસ કરતા સમગ્ર વરસાદી કાંસ ઉપર ઠેર-ઠેર રેસ્ટોરન્ટ મકાનો તથા લારી ગલ્લાના ગેરકાયદે દબાણો થઈ ગયા છે તે હટાવવાની કામગીરી થતી નથી.
ભાયલી અટલાદરાથી પાદરા સુધી જતા વરસાદી કાંસ ઉપર પી.ડબ્લ્યુ.ડી વિભાગ દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ કેટલોક ભાગ પુરાણ કરી દેવામાં આવ્યો. આ વરસાદી કાંસ ઉપર પી.ડબ્લ્યુ.ડી રોડની બાજુમાં જ વરસાદી કાંસ ઉપર એક કાઠીયાવાડી અને એક વેજ નોનવેજ રેસ્ટોરન્ટ બંધાઈ ગયા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ વરસાદી કાંસ ઉપર જ લારી-ગલ્લા પણ મુકવામાં આવ્યા છે. ત્યારે આ ગેરકાયદે દબાણો થઈ જવાને કારણે વરસાદી પાણીનો પ્રવાહ અટકી જતો હોય છે તેમ છતાં જિલ્લા કલેકટર, વુડા કે પીડબલ્યુડી વિભાગ આ ગેરકાયદે બાંધકામો તોડવાની તસ્દી પણ લેતા નથી. વડોદરા શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશનર વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સૂનની કામગીરી નિહાળવા માટે રોજબરોજ જઈ રહ્યા છે ત્યારે
વડોદરા શહેરના તમામ વરસાદી કાંસો પર ગેરકાયદે બાંધકામો, દબાણો હટાવવાની ઝુંબેશ તરફ ધ્યાન આપવામાં આવતું નથી. જેને કારણે આગામી ચોમાસામાં પ્રિમોન્સૂનની કામગીરીના ફરી એક વાર ધજાગરા ઉડશે અને સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન વિકટ બનશે તેમ માનવામાં આવે છે.


