કાલુપુરામાં ભૂવાના સમારકામ મુદ્દે હોબાળો : સ્થાનિકોના વિરોધ વચ્ચે કોન્ટ્રાક્ટર સ્થળ પરથી નીકળી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં માર્ગ પર પડેલા ભૂવાના સમારકામ દરમિયાન સ્થાનિક રહેવાસીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ભારે રકઝક સર્જાઈ હતી. રહીશોના વિરોધ અને મીડિયાનો સંપર્ક થતાં કોન્ટ્રાક્ટર સ્થળ પરથી નીકળી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
વોર્ડ નંબર 7ના કાલુપુરા અડાણીયા પુલ માર્ગ વિસ્તારમાં આવેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નંબર 14ની કચેરી સામે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો હતો. ભૂવાનું સમારકામ કરવા માટે કોન્ટ્રાક્ટર રોડા-છારુ ભરેલી ટ્રેક્ટર સાથે પહોંચ્યો હતો. જોકે સ્થાનિક રહેવાસીઓએ સમારકામની પદ્ધતિ સામે વાંધો ઉઠાવતા વિવાદ સર્જાયો હતો.
રહીશોના જણાવ્યા અનુસાર દર ચોમાસામાં આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. તેથી માત્ર ભૂવો પૂરી દેવાને બદલે પહેલા વરસાદી કાંસની સફાઈ, તેમાં ભરાયેલો કાટમાળ દૂર કરવો તેમજ વરસાદી કાંસના સ્લેબનું યોગ્ય સમારકામ કરવું જરૂરી છે. જો કાંસની સફાઈ કર્યા વિના ભૂવો પૂરી દેવામાં આવશે તો વરસાદી પાણીનો નિકાલ અટકી જશે અને આસપાસના મકાનોમાં પાણી ઘૂસી જવાની શક્યતા રહેશે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર તેમની રજૂઆતો સાંભળવા તૈયાર ન હતો અને માત્ર ઉપરથી મળેલા આદેશ મુજબ કામ કરી રહ્યો હોવાનું જણાવી રહ્યો હતો. સ્થાનિકોના વિરોધ વચ્ચે મીડિયાનો સંપર્ક થતાં કોન્ટ્રાક્ટર સ્થળ પરથી નીકળી ગયો હતો. રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટર દાદાગીરીભર્યું વર્તન કરી રહ્યો હતો અને જવાબદાર અધિકારીઓનો સંપર્ક નંબર પણ આપવા તૈયાર ન હતો. ઘટના સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ અધિકારી કે સુપરવાઈઝર પણ સ્થળ પર હાજર ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ડ્રેનેજ લાઇનની કામગીરીથી વેપારીઓ મુશ્કેલીમાં
સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા આઠ મહિનાથી નવી ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે. માર્ગ બંધ હોવાથી ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે અને વેપાર-ધંધા પર ગંભીર અસર પડી રહી છે. દુકાનના ભાડા અને અન્ય ખર્ચ ઉપાડવામાં મુશ્કેલી પડી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ચોમાસું શરૂ થવા જઈ રહ્યું હોવાથી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠી છે.
પ્રિ-મોનસૂન કામગીરીના દાવા સામે સવાલ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે શહેરની વરસાદી કાંસ, કેચપીટ અને ડ્રેનેજ વ્યવસ્થાની 80 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે કાલુપુરા વિસ્તારમાં વરસાદી કાંસનું ઢાંકણું ખોલતાં અંદર પ્લાસ્ટિકની બોટલો, કચરો અને ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. આ દૃશ્યોને આધારે સ્થાનિકોએ કોર્પોરેશનની પ્રિ-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત હોવાના આક્ષેપ થયા છે.








