Gujarat

સૌરાષ્ટ્રમાં હળવાં-ભારે ઝાપટાં સાથે ત્રણ ઈંચ સુધી વરસાદ

By GS Team
26 Jul 20202 mins read
This article was originally published on 26 Jul 2020
સૌરાષ્ટ્રમાં હળવાં-ભારે ઝાપટાં સાથે ત્રણ ઈંચ સુધી વરસાદ

રાજકોટ, તા. 26 જુલાઈ, 2020, રવિવાર

સૌરાષ્ટ્રમાં આજે પણ શ્રાવણી સરવડાં વચ્ચે ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. શ્રીકાર મેઘમહેર વરસવાનાં બદલે દિવસ-રાત ગમે ત્યારે સમયાંતરે વાદળો વરસીને જતાં રહે છે. આજે સૌથી વધુ વડિયામાં ધોધમાર ત્રણ ઈંચ તથા કોટડાસાંગાણી અને ભાણવડમાં બે ઈંચ મેઘકૃપા વરસી હતી.

રાજકોટ શહેર-જિલ્લામાં આજે સવારથી વાદળ-છાયા વાતાવરણ વચ્ચે છૂટા-છવાયા ઝાપટાં પડયા હતા. રાજકોટમાં બપોરે ઝરમર પાંચ મી.મી. વરસાદથી માર્ગો ભીના થયા હતા. જ્યારે કોટડાસાંગાણીમાં બપોરે ૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા દરમિયાન ધોધમાર બે ઈંચ વરસાદ વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગોંડલ અને જસદણમાં પણ આજે બપોર બાદ ૪ વાગ્યાથી ૬ વાગ્યા વચ્ચે એક ઈંચ વરસાદ પડતાં અસહ્ય ઉકળાટમાંતી થોડી રાહત મળી હતી. ધોરાજીમાં આજે અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામકંડોરણા, જેતપુર, લોધીકા, પડધરીમાં પણ હળવા-ભારે ઝાપટાં પડયા હતા.

અમરેલી જિલ્લામાં આજે પણ છૂટા-છવાયા ઝાપટાં વચ્ચે વડિયામાં બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન મુશળધાર ત્રણ ઈંચ વરસાદ વરસી જતાં નીચાણવાળા વિસ્તારો જળબંબોળ થઈ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકથી બે ઈંચ વરસાદ પડયાનાં વાવડ છે. ખાંભા અને લાઠીમાં ૭-૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે છૂટા-છવાયા શ્રાવણી સરવડા વચ્ચે ભાણવડમાં વહેલી સવારે બે ઈંચ વરસાદથી માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. સોમનાથ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે હળવા-ભારે ઝાપટાથી લોકોએ સંતોષ માનવો પડયો હતો. 

પોરબંદરમાં રવિવારે સવારે વધુ એક ઈંચ વરસાદ નોંધાયો હતો. રવિવારે સવારે ૬ થી ૮ વચ્ચે ૨૪ મી.મી. એટલે કે એક ઈંચ વરસાદ પડયો હતો. 

જૂનાગઢ જિલ્લામાં આજે ધૂપછાંવયુક્ત વાતાવરણ વચ્ચે વંથલી, માંગરોળ તથા મેંદરડા પંથકમાં અડધો-અડધો ઈંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં મેઘાવી માહોલ બાદ ઝરમર છાંટા પડયા હતા. ત્યારબાદ આકરો તડકો નીકળ્યો હતો.