Get The App

જામનગર: કમોસમી વરસાદમાં વીજળી પડતા માલધારીનું મોત, વાવાઝોડામાં અનેક વૃક્ષો પણ ધરાશાયી

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર: કમોસમી વરસાદમાં વીજળી પડતા માલધારીનું મોત, વાવાઝોડામાં અનેક વૃક્ષો પણ ધરાશાયી 1 - image


Unseasonal Rain in Jamnagar: હાલમાં સમગ્ર ગુજરાતમાં બદલાયેલા વાતાવરણની અસર જામનગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ગઈકાલે (19મી માર્ચ) જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા એક માલધારીનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જામનગર શહેરમાં ફૂંકાયેલા મિનિ વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે.

નદી કાંઠે ભેંસો ચરાવતી વખતે ત્રાટકી વીજળી

મળતી માહિતી અનુસાર, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં વીજળી પડવાની આ દુઃખદ ઘટના બની છે. જૂની આંબરડી ગામના વતની 52 વર્ષીય કાબા વકાતર વ્યવસાયે માલધારી હતા. ગઈકાલે સાંજે તે ધ્રાફા ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ફૂલઝર નદીના કાંઠે પોતાની ભેંસો ચરાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક વીજળી ત્રાટકતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના નાના ભાઈ વિશાએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સાબરકાંઠા: હિંમતનગર સહિતના પંથકમાં માવઠાનો માર, ઘઉંનો તૈયાર પાક પલળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો

જામનગર શહેરમાં વાવાઝોડાની અસર: વીજ પુરવઠો ખોરવાયો

બીજી તરફ, જામનગર શહેરમાં ફૂંકાયેલા તેજ પવનો અને મિનિ વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. સત્યનારાયણ મંદિર રોડ પર આઝાદ બાગનું એક મહાકાય વૃક્ષ વીજ સબ સ્ટેશન પર ખાબક્યું હતું. જેના કારણે આખા વિસ્તારનો વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો.

તોતિંગ વૃક્ષ પડવાથી વીજ થાંભલા વળી ગયા હતા અને લાઈવ વાયરો તૂટી જતાં ભારે નુકસાન થયું હતું. વીજ તંત્ર દ્વારા હાઈડ્રોલિક ક્રેન બોલાવી વૃક્ષના અવશેષો હટાવવામાં આવ્યા હતા. અડધી રાત સુધી કવાયત કર્યા બાદ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો. કમોસમી વરસાદ અને પવનને કારણે જિલ્લામાં જાન-માલનું નુકસાન થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.