Gujarat

હળવદમાં કેનાલમાં ન્હાવા પડેલા 2 શ્રમિક યુવાનો ડૂબ્યા, શોધખોળ જારી

By GS TEAM
20 Mar 20262 mins read
હળવદમાં કેનાલમાં ન્હાવા પડેલા 2 શ્રમિક યુવાનો ડૂબ્યા, શોધખોળ જારી

મિત્રને બચાવવા જતાં બીજો યુવાન પણ પાણીમાં ગરકાવ

ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ મોડી સાંજ સુધી શોધખોળ હાથ ઘરી પરંતુ એકપણ યુવાનનો પત્તો લાગ્યો નથી

હળવદ - હળવદની મોરબી-માળિયા ચોકડી નજીક આવેલી નર્મદા બ્રાન્ચ કેનાલમાં આજે વહેલી સવારે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. કચ્છ ફૂટ માર્કેટમાં મજૂરી કામ કરતા બે પરપ્રાંતીય યુવાનો કેનાલના ઊંડા પાણીમાં ડૂબી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની એવા બે શ્રમિક યુવાનો ગુરુવારે સવારે કેનાલ પર ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન એક યુવાન અચાનક પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ બાજુમાં ઉભેલા તેના મિત્રએ તેને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે પાણીનો વેગ વધુ હોવાથી બંને યુવાનો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ડૂબી ગયેલા યુવાનોની ઉંમર અંદાજે ૨૦ અને ૨૨ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસ, ૧૦૮ની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં બંને યુવાનોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. જોકે, સમાચાર લખાય છે ત્યાં સુધી બંનેમાંથી એકપણ યુવાનનો પત્તો લાગ્યો નથી. આ ઘટનાને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ બંને યુવાનોની શોધખોળ હાથ ઘરી પરંતુ મોજી સાંજ સુધી એકપણ યુવાનનો પત્તો લાગ્યો નથી. આ ઘટનાને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.