Get The App

કાલાવડ નજીક મછલીવડ ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા : એકનું કમકમાટી ભર્યું મોત

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડ નજીક મછલીવડ ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા : એકનું કમકમાટી ભર્યું મોત 1 - image

Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં અકસ્માતોની હારમાળા અવિરત ચાલુ રહી છે. કાલાવડ નજીક મછલીવડ ગામ પાસે બે બાઈક સામસામે અથડાઈ પડતાં એક બાઈકના ચાલકનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. જયારે કોઠા ભાડુકિયા પાસે અન્ય બે બાઈક વચ્ચેના અકસ્માતમાં કાકા ભત્રીજા સહિત ત્રણ વ્યક્તિને ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

અકસ્માતનો પ્રથમ બનાવ કાલાવડ નજીક મછલીવડ ગામ પાસે બન્યો હતો. કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા ઈકબાલભાઈ આમદભાઈ સોરા (ઉ.વ.58), કે જેઓ પોતાનું બાઈક લઈને ખરખરાના કામે જામજોધપુર તાલુકાના લુવાસર ગામે ગયા હતા, અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા જે દરમિયાન મછલીવડ ગામના પાટીયા પાસે જી.જે. 10 ડી.જી. 8983 નંબરના અન્ય બાઇકના ચાલકે ટકકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક ઇકબાલભાઈ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, તેઓને સૌપ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવવા અંગે મૃતકના નાના ભાઈ ઈબ્રાહીમભાઇ આમદભાઈ સોરાએ પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનો બીજો બનાવ કાલાવડ નજીક કોઠા ભાડુકીયા ગામ પાસે બન્યો હતો. કાલાવડ નજીક ચાપરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વાલજીભાઈ ગાંડાલાલ ટોયેટા (ઉ.વ.55) અને તેઓના કાકા હેમંતભાઈ બીજલભાઇ ગમારા કે જેઓ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને કાલાવડ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં અન્ય એક બાઈકના ચાલક ભરત મનુભાઈ સાડમિયાએ પોતાનું બાઈક અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણેયને ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓની સધન સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવ અંગે ઈજાગ્રસ્ત વાલજીભાઈના નાના ભાઈ રમેશભાઈ ગાંડાલાલ ટોયટાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અન્ય બાઇકના ચાલક ભરત મનુભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.