Get The App

1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
1.62 કરોડની ચાંદીના દાગીનાની ચોરીમાં રાજસ્થાનના સૂત્રધાર સહિત બે ઝડપાયા 1 - image

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વધુ 40 કિલો ચાંદી કબજે કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 70 કિલો અને રાજકોટ ક્રાઈમ બ્રાંચે 30 કિલો ચાંદી કબજે કરી

રાજકોટ: રાજકોટના સામાકાંઠે આવેલી પેઢીમાંથી રૂા.૧.૬ર કરોડની ચાંદીની ચોરીના કેસમાં મૂખ્ય સૂત્રધાર રાજસ્થાનના રતનસિંહ રાઠોડ અને બોટાદના રાજુ ભોજકને ક્રાઈમ બ્રાંચે સકંજામાં લઈ ૩૦ કિલો ચાંદી કબજે કરી છે.  બાકીના આરોપીઓને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચની ટીમો દોડધામ કરી રહી છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજકોટથી ચોરી થયેલી ૪૦ કિલો ચાંદી સાથે પ્રદિપ પ્રજાપતિને ઝડપી લીધા બાદ બીજા રિસીવર મંગુસિંહ જબ્બરસિંહ રાઠોડને વધૂ ૩૦ કિલો ચાંદી સાથે ઝડપી લીધો છે.  

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગઈકાલે મોડી રાત્રે નરોડામાં લીલા હાઈટ્સમાં રહેતાં મંગુસિંહને ઝડપી લીધા બાદ તેના ઘરે છાપો મારી ત્યાંથી ૩૦ કિલો ચાંદીના દાગીના અને ૧૦ કિલો ઓગાળેલી ચાંદી કબજે કરી હતી. તેને ત્યાંથી ચાંદી ઓગાળવા માટેની ભઠ્ઠી અને તેના સાધનો પણ મળી આવ્યા હતા. 

બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ચોરીમાં સંડોવાયેલા મૂખ્ય સૂત્રધારો તરફ તપાસ કેન્દ્રિત કરી રતનસિંહ રાઠોડને ઈન્દોરથી ઝડપી લીધો છે જયારે   રાજુ ભોજક પણ ઝડપાઈ ગયો છે. આ બંને પાસેથી ૩૦ કિલો ચોરાઉ ચાંદી અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર પણ કબજે કરાઈ છે. આવતીકાલે ક્રાઈમ બ્રાંચ વધૂ ખુલાસા કરશે.

આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં રાજકોટ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૧૪૦માંથી ૧૧૦ કિલો ચાંદી કબજે કરી લીધી છે. હજૂ ૩૦ કિલો ચાંદીના દાગીના બાકીના આરોપીઓ પાસે છે. બાકીના વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમો દોડધામ કરી રહી છે.