વડોદરાઃ ગુજરાત સરકારના કોમન યુનિવર્સિટી એકટમાં અધ્યાપક કે કર્મચારીની જાહેર હિતમાં એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં બદલીની જોગવાઈ રાખવામાં આવી છે.કોમન એકટ અમલમાં આવ્યા બાદ પહેલી વખત એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ આ રીતે બદલી માટે અરજી કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે અગાઉ એમ.એસ.યુનિવર્સિટીના હિસ્ટ્રી વિભાગમાં આસિસટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દિલીપ કાતરિયા ૨૦૨૫માં ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ઈન્ટરવ્યૂ આપીને એસોસિએટ પ્રોફેસર તરીકે જોડાયા હતા.હવે તેમણે એમ.એસ.યુનિવર્સિટીમાં હિસ્ટ્રી વિભાગમાં એસોસિએટ પ્રોફેસરની ખાલી જગ્યા પર બદલી માટે અરજી કરી છે. બદલી માટે બંને યુનિવર્સિટીની સંમતિ હોવી જરુરી છે.ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ તો દિલીપ કાતરિયાએ જે દિવસે અરજી કરી તે જ દિવસે એનઓસી આપી દીધું હતું પણ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો તા.૨૭ માર્ચ, શુક્રવારે મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં આ બાબતે નિર્ણય લેશે.એવું પણ કહેવાય છે કે, યુનિવર્સિટી સત્તાધીશો સાથે ગોધરા યુનિવર્સિટીના સત્તાધીશોએ એનઓસી આપતા પહેલા ચર્ચા પણ કરી નથી.જો એમ.એસ.યુનિવર્સિટી પણ બદલી માટે મંજૂરી આપશે તો કોમન એકટની જોગવાઈ પ્રમાણે અંતિમ નિર્ણય રાજ્ય સરકારે લેવાનો રહેશે.
બીજી યુનિ.ઓના અધ્યાપકો પણ બદલી માટે અરજી કરશે
કેટલાક અધ્યાપકોનું એવું પણ માનવું છે કે, જો એમ.એસ.યુનિવર્સિટી બદલી માટે મંજૂરી આપશે તો નવી પરંપરા શરુ થશે અને નાના શહેરોની યુનિવર્સિર્ટીઓના સંખ્યાબંધ અધ્યાપકો પણ એમ.એસ.યુનિવર્સિટીમાં બદલીઓ માટે અરજી કરશે.એમ પણ યુનિવર્સિટીમાં અધ્યાપકોની ૮૦૦ કરતા વધારે જગ્યાઓ ખાલી છે.ઉપરાંત જે અધ્યાપકો એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રમોશન નથી મેળવી શકતા તે અન્ય યુનિવર્સિટીમાં પ્રમોશન સાથે નોકરી મેળવીને ફરી એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રમોશન સાથે નોકરી કરવા માટે બદલીની અરજી કરશે.
એસ પી યુનિ.ના અધ્યાપકની બદલીને સરકારે મંજૂરી આપી હતી
આ પહેલા આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધ્યાપકે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બદલી માટે અરજી કરી હતી અને આ કિસ્સામાં બંને યુનિવર્સિટીઓએ મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારે પણ લીલી ઝંડી આપી હતી.કોમન એકટ લાગુ થયા બાદ આ બદલીનો પહેલો કિસ્સો હતો


