Get The App

કન્ટેનરમાં આગ ફાટી નીકળતા ગભરાટ એક્સપ્રેસ હાઇવે પર સાંજે વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા

આગની ઘટના અને રોડ બંધ છતા વાહનો ટોલ પ્લાઝા પરથી પસાર થવા દેવાયા ઃ ત્રણ કલાક બાદ દુમાડથી ટ્રાફિક જીએસએફસી ડાયવર્ટ કરાયો

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
કન્ટેનરમાં આગ ફાટી નીકળતા ગભરાટ  એક્સપ્રેસ  હાઇવે પર સાંજે વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા 1 - image

વડોદરા, તા.5 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આણંદ જિલ્લામાં સારસા અને ખંભોળજ વચ્ચે એક કન્ટેનરમાં આજે સાંજે આગ ફાટી નીકળતા વડોદરા-અમદાવાદ વચ્ચેનો ટ્રાફિક ખોરવાયો હતો. એક્સપ્રેસ હાઇવે પર બંને સાઇડ પર વાહનોની લાંબી કતારો લાગતા અનેક વાહનો હાઇવે  પર અટવાઇ ગયા હતાં. ઘટનાને ત્રણ કલાક બાદ ઓથોરિટિ દ્વારા દુમાડથી વાહનોને વાસદ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ વડોદરાથી અમદાવાદની લેન પર ખંભોળજ અને સારસા વચ્ચે એક કન્ટેનરમાં અચાનક આગ ફાટી નીકળતા આ લેન પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. શરૃઆતમાં ૧૦ કિ.મી. સુધી વડોદરા તરફ લાઇનો લાગી હતી પરંતુ અમદાવાદ તરફથી આવતા ટ્રાફિકને ચાલુ રાખવામાં આવ્યો હતો. કન્ટેનરમાં બેટરીઓ હોવાની પ્રાથમિક માહિતી મળતા તેમજ ગમે ત્યારે કન્ટેનરમાં બ્લાસ્ટ થાય તેવી શક્યતાના કારણે અમદાવાદ તરફથી આવતા ટ્રાફિકને પણ બાદમાં રોકી દેવાયો હતો.

આમ વડોદરાથી અમદાવાદ તરફ જતા વાહનોની લાઇનો સતત વધતી જતી હતી પરંતુ હાઇવે ઓથોરિટિ દ્વારા વડોદરાથી ટ્રાફિકને ડાયવર્ટ કરી અન્ય સ્થળે જવા દેવાયા ન હતા અને વડોદરાથી આણંદ તરફની લેન પર વાહનોની લાઇનો સતત વધતી જ જતી હતી. ઘટનાના ત્રણ કલાક બાદ આખરે દુમાડથી વાહનોને એક્સપ્રેસ હાઇવે પર પસાર નહી કરાવી ટ્રાફિકને વાસદ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને રાત્રે આખરે વાહનો જીએસએફસી તરફ ડાયવર્ટ કરાયા હતાં.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો પરંતુ વાહનોને આગળ પસાર થવા દેવાયા હતાં. વાહનચાલકો હેરાન પરેશાન થયા બાદ મોડેથી દુમાડથી ટ્રાફિક ડાયવર્ટનો નિર્ણય લેવાયો  હતો. આજે રવિવાર હોવાથી વાહનોની અવરજવર વધુ હતી પરંતુ ઓથોરિટિને વાહનચાલકો હેરાન પરેશાન થાય તેમા વધારે રસ હોય તેમ લાગતું હતું. ટોલ પ્લાઝા પર ટોલ વસૂલ કરીને વાહનો આગળ ગયા બાદ ટ્રાફિકજામમાં અટવાઇ ગયા હતાં.