Jamnagar News: જામનગર તાલુકાનું મસીતીયા ગામ વર્ષોથી કોમી એકતા અને પરંપરાગત સંસ્કૃતિના સંગમનું પ્રતીક રહ્યું છે. શનિવારે અહીં 'હઝરત પીર કમરૂદીનશાહ બાબા'ના ઉર્સ નિમિત્તે યોજાયેલી પરંપરાગત ઘોડા રેસમાં શૌર્ય અને રોમાંચના અદ્દભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આવેલા જાતવંત ઘોડાઓએ મેદાન ગજવ્યું હતું.
કોમી એખલાસનું જીવતું જાગતું ઉદાહરણ
મસીતીયા ગામમાં મુસ્લિમ બિરાદરોની વસતી વધુ હોવા છતાં, આ બે દિવસીય ઉર્સમાં હિન્દુ-મુસ્લિમ બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ઉર્સની પ્રથમ રાત્રે શાનદાર કવાલી અને આમનિયાઝનું આયોજન કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે યોજાતી ઘોડા રેસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ પ્રસંગ ગ્રામીણ સંસ્કૃતિ અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.
ઇનામમાં રોકડ નહીં, પણ પાઘડીનો મોભો
સામાન્ય રીતે સ્પર્ધાઓમાં રોકડ રકમ કે ટ્રોફી આપવામાં આવતી હોય છે, પરંતુ મસીતીયાની આ રેસની પરંપરા સાવ અલગ છે. અહીં વિજેતા થનાર ઘોડાસવારને પુરસ્કાર રૂપે મોભાદાર પાઘડી પહેરાવવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત પાઘડી મેળવવા માટે દર વર્ષે ઘોડાસવારો ભારે ઉત્સાહ સાથે જોડાય છે.
આ વર્ષના વિજેતાઓ
ઘોડા રેસ: હાજી અયુબભાઇ ખફીનો 'જલાલી 1616' ઘોડો પ્રથમ ક્રમે રહ્યો.
ઊંટ ગાડી રેસ: અશરફ અલ્તાફ ખફીનો ઊંટ પ્રથમ નંબરે આવ્યો.
ભવ્ય આયોજન અને સુરક્ષા
મસીતીયા ગામના સરપંચ અને ઉર્સ કમિટીના યુવાનોએ ખડેપગે રહીને આ રેસને સફળ બનાવી હતી. વિજેતાઓને સરપંચના હસ્તે પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યુવાનોએ ખડે પગે રહીને આ ઉર્સમાં પરંપરાગત ઘોડા રેસને સફળ બનાવી હતી.


