જૂનાગઢથી મહેમાન બનીને બાળકો સાથે પરિવાર રોકાયો હતો
બન્ને પરિવારમાં હૈયાફાટ રૂદન, મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર શેમળાના સરપંચની વાડીએ છેલ્લાં બાર વર્ષથી ખેતમજૂરી કરતો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર,સેમળા ગામે સરપંચ નીરુભા જાડેજાની વાડીમાં છેલ્લા બાર વરસથી રહીને ખેતમજૂરી કરી ઘર ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારોના બાળકો તળાવ કાંઠે રમી રહ્યા હતા. આ દરમિયાન રમતાં-રમતા બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની નજીક જ વાડી ધરાવતા નીરુભાને આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત દોડી ગયા હતા. તેમણે બાળકોને બહાર કાઢી ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય માસૂમોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પીએમ માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા બાળકોમાં મૂળ મછરાજર મધ્યપ્રદેશનો ૬ વર્ષીય અર્જુન ભુરાભાઈ બાબરીયા, મૂળ છોરા (એમ.પી.)નો ૬ વર્ષીય લખન કરસનભાઈ ડામોર અને તેની ૩ વર્ષની સગી બહેન લક્ષ્મી કરસનભાઈ ડામોરનો સમાવેશ થાય છે. મૃતક માસૂમ બાળક અર્જુનનાં પિતા ભુરાભાઇ બાબરીયા જુ નાગઢ રહે છે. કરશનભાઇ ડામોર તેના બનેવી થતા હોવાથી પરીવાર સાથે થોડા દિવસ મહેમાનગતી માણવાં આવ્યાં હતા. કરશનભાઇ ડામોરને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે, જેમાં લખન અને લક્ષ્મીનાં ડુબી જવાથી મોત થયા છે. રોજીરોટી કમાવવા માટે વતનથી દૂર આવેલા આ ગરીબ પરિવારોના આંગણામાંથી એકસાથે ત્રણ માસૂમોની ચિરવિદાય થતાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું.


