Gujarat

ઇડરના કુકડીયાં ગામમાં મિની-થિયેટર વર્ષોથી ખંડેર હાલતમાં

By GS Team
31 Dec 20213 mins read
This article was originally published on 31 Dec 2021

ઇડર, તા. 30

ઇડરના કુકડીયામાં સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીના સપનાનું ઘર એટલે મીની થિયેટર (રંગમંચ)નું મકાન આજે ૨૧ વર્ષ પછી પણ વપરાશ વિના ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. રાજ્યના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ હેઠળનું આ મકાન તૈયાર થયા બાદ તેનો એક પણ વાર ઉપયોગ થયો નથી. ઇડરની પુલ-પેટા વિભાગ કચેરીના નાયબ ઇજનેરે આ બાબતે સરકારના જે તે વિભાગને ૫૩ જેટલા પત્રો લખી કબજો સંભાળી લેવા વિનવણી કરી હોવા છતાં વિભાગની આળશને કારણે સરકારના ૫૦ લાખ રૂપિયા પાણીમાં ગયા છે. ઉલ્ટુ ગામ બહાર આવેલ રણી ધણી વિનાનું આ મકાન હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યુ ંછે.

ઇડરનું કુકડીયા ગામ એટલે ભિલોડાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર ઉપેન્દ્ર ત્રિવેદી તથા પૂર્વ સાંસદ અને રામાયણ સીરીયલના લંકેશ અરવિંદ ત્રિવેદીનું વતન. આ વતનનું ઋણ અદા કરવા સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીએ ગામમાં એક આધુનિક રંગમંચ બનાવવાનું સપનું જોઇ, આ સપનાને સાકાર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેના ફળ સ્વરૂપ વર્ષ ૧૯૯૯માં રાજ્યના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ હેઠળ અહીં રંગમંચના મકાન નિર્માણનું કામ શરૂ થયું હતું.

ત્યારબાદ ગત તા. ૨૭-૮-૨૦૦૧ના રોજ રંગમંચનું કામ પૂર્ણ થઇ જતાં, મકાન બનાવનાર ઇડરની પુલ-પેટા વિભાગ કચેરીએ રાજ્ય સરકારના વિભાગને કબજો સંભાળી લેવા પત્ર લખ્યો હતો. જો કે, વિભાગ તરફથી કોઇ જવાબ મળ્યો નહોતો. તેમ છતાં ઇડરની કચેરીએ પત્ર વ્યવહાર શરૂ રાખી જિલ્લા રમત-ગમત અધિકારી તથા યુવા-સાંસ્કૃતિક વિભાગના કમિશનરને મળી ૫૩ જેટલા પત્રો લખ્યા હોવા છતાં વિભાગે કબજો સંભાળવામાં આળસ દાખવતાં આજે આ મકાન ખંડેર થઇ ગયું છે. સરકારના વિવિધ વિભાગોની ઘોર બેદરકારીએ ૫૦ લાખ રૂપિયાનું પાણી કરી નાંખ્યું છે.

છેલ્લા ૨૧ વર્ષથી રંગમંચના મકાનના ઉદ્ઘાટનની રાહ જોતી આ વિસ્તારની જનતાની આશાઓ ઠગારી નિવડી છે. મકાનના બારી-બારણા તથા ઇલેક્ટ્રીક ફીટીંગનો વાયર સહિતનો સામાન ચોરાઈ ગયો છે. અસામાજિક તત્વો અહીં અડીંગો જમાવી માલિકની જેમ વર્તી રહ્યા છે. સરકારી વિભાગો અને બાજુઓ આ મામલે એક-બીજાને ખો આપી ઝંઝટમાંથી છુટવાનો પ્રયાસ કરતા હોય તેમ લાગી રહ્યું છે.

વારંવાર રજુઆત કરી ઃ સરપંચ

લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રંગમંચની દુર્દશા જોઇ ગામના સરપંચ કલ્યાણસિંહ કુંપાવતે આ મકાન પંચાયતને અથવા ગામને સોંપી દેવા રજૂઆત કરી હતી. જો કે, તેઓની રજૂઆતને અવગણવામાં આવી હતી. મકાનમાં ચાલતા ગોરખધંધા અને ચોરીની ઘટના બાબતે પણ અનેકવાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું, તેમ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. આ બાબતે સરપંચે કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.

વિભાગને ૫૩ પત્રો લખ્યા ઃ નાયબ ઇજનેર

ઇડરની પુલ પેટા વિભાગની કચેરીના નાયબ ઇજનેર એન.સી. પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં રંગમંચનું મકાન તૈયાર થયા બાદ રાજ્યના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગને પત્ર લખી કબોજ સંભાળી લેવા જાણ કરી હતી. તેમ છતાં વિભાગ તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૩ સુધીમાં આવા ૫૩ પત્રો લખ્યા હોવા છતાં વિભાગ કબજો સંભાળવા આગળ નહીં આવતાં મકાન ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે. વળી અમારી પાસે આ મકાનની દેખરેખ કે જાળવણી માટેની કોઇ ગ્રાન્ટ પણ આવતી નથી.