Gujarat

હાલ સમગ્ર દેશમાં મુખ્ય મુદ્દો વોટ ચોરીનો જ છેઃ રાહુલ ગાંધી

By GS Team
12 Sep 20252 mins read
This article was originally published on 12 Sep 2025
હાલ સમગ્ર દેશમાં મુખ્ય મુદ્દો વોટ ચોરીનો જ છેઃ રાહુલ ગાંધી

પ્રશિક્ષણ વર્ગ પહેલાં કેશોદ એરપોર્ટ પર વિપક્ષના નેતાનું નિવેદન : મહારાષ્ટ્ર, હરિયાણામાં ચૂંટણી ચોરી અમે બતાવી, બધી જગ્યાએ વોટની ચોરી થઈ રહી છેઃ શિબિરમાં નેતૃત્વ, સંગઠન મજબૂતીના પાઠ ભણાવ્યા 

જૂનાગઢ, : આજે કેશોદ એરપોર્ટ પર લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 'હાલ સમગ્ર દેશમાં વોટ ચોરી મુખ્ય મુદ્દો છે. મહારાષ્ટ્ર, હરિયાણામાં ચૂંટણી ચોરી અમે બતાવી હતી. બધી જગ્યાએ વોટ ચોરી થઈ રહી છે.' બાદમાં તેમણે જૂનાગઢના ભવનાથમાં પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહી જિલ્લા શહેર પ્રમુખોને નેતૃત્વ-સંગઠન મજબુત કરવાના પાઠ ભણાવ્યા હતા.

ભવનાથમાં ત્રણ દિવસથી કોંગ્રેસની સંગઠન સૃજન પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આજે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાં તેમણે વોટ ચોરી બાબતે કહ્યું કે, 'બધી જગ્યાએ મતની ચોરી થઈ રહી છે, લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે.' વડાપ્રધાન આજે મણીપુર ગયા એ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, 'મણીપુરમાં ઘણા લાંબા સમયથી હિંસાનો પ્રશ્ન છે, છેક હવે વડાપ્રધાન મણીપુર ગયા છે.' 

કેશોદથી રાહુલ ગાંધી મોટર માર્ગે જૂનાગઢના ભવનાથમાં આવેલા પ્રેરણાધામ ખાતે શિબિર સ્થળે પહોંચ્યા હતા. શિબિરમાં લગભગ સાડા ત્રણ કલાક સુધી ગુજરાતભરના શહેર તથા જિલ્લા પ્રમુખો અને અન્ય અગ્રણીઓને તેમણે નેતૃત્વ અને સંગઠન મજબુત કરવાના પાઠ ભણાવ્યા એ દરમિયાન માત્ર ચૂંટણી વખતે જ નહીં બલ્કે સતત લોકો સાથેનો સંપર્ક જાળવી રાખવા પર ભાર મુકતાં ઉમેર્યું કે 'વૃક્ષની જેમ સાતત્યનો ગુણ કેળવવો આવશ્યક છે. દેશભરમાં કોંગ્રેસ એક બૃહદ પરિવાર છે, કોંગ્રેસના સૈનિકોએ જનતાનાં દિલ સાથે જોડાવાનું છે, પદ અને પ્રતિષ્ઠાના ઘમંડને ઓગાળવાની બાબત સ્વીકારી શકાય તો લોકોની નજીક જઈ શકીએ છીએ. અમુક લોકો માત્ર સત્તા માટે જ રાજનીતિ કરે છે જ્યારે કોંગ્રેસ દેશ અને દેશવાસીઓ માટે રાજનીતિ કરે છે.' આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક પ્રકારના જે અન્યાય છે તેમાં કાર્યકરોની શું ભૂમિકા છે અને તે અન્યાય કેવી રીતે નિવારી શકાય તે અંગે વાત કરી હતી. સાંજે 7 વાગ્યા બાદ પ્રશિક્ષણ શિબિર સંપન્ન થતા રાહુલ ગાંધી મોટર માર્ગે કેશોદ અને ત્યાંથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા.

આગમન વેળા પાકિસ્તાની આલ્બમનું ગીત વાગતાં ચર્ચા

રાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાતના અનુસંધાને કેશોદ તેમજ જૂનાગઢમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાળવા ચોક ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો વિપક્ષના નેતાનું સ્વાગત કરવા એકત્ર થયા હતા. રાહુલ ગાંધીએ તેમનું અભિવાદન ઝીલી સ્વાગત સ્વીકાર્યું હતું. તેના આગમન સમયે પાકિસ્તાની આલ્બમનું ગીત વાગ્યું હતું એ બાબત ચર્ચાનો વિષય બની હતી. કાર્યકરોએ કોંગ્રેસ જીંદાબાદ તથા રાહુલ ગાંધી તુમ આગે બઢો હમે તુમારે સાથ હૈના સૂત્રોચ્ચાર કર્યા હતા.