Gujarat

હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં નહીં પડકારાય : શિક્ષણમંત્રી

By GS Team
31 Jul 20202 mins read
This article was originally published on 31 Jul 2020
હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં નહીં પડકારાય : શિક્ષણમંત્રી

અમદાવાદ, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર

ગુજરાત સરકારે સંચાલકોને ફી નહી લેવા કરેલા ઠરાવ મુદ્દે આજે હાઈકોર્ટે સરકારના ઠરાવને અયોગ્ય ગણતા સરકાર વિરૂદ્ધ ચુકાદો આપ્યો છે ત્યારે શિક્ષણમંત્રીએ જણાવ્યુ છેકે હાઈકોર્ટના ચુકાદા સામે સરકાર સુપ્રીમકોર્ટમાં પીટિશન નહી કરે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઈકોર્ટના ચુકાદા સંદર્ભે જણાવ્યું કે  સરકાર હાઈકોર્ટના ચુકાદાનુ પાલન કરશે .

વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને આગળની પ્રક્રિયા કરાશે.સરકાર હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં જવા માંગતી નથી. વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને ટોણો મારતા  ફરિયાદ કરાઈ છે કે શિક્ષણમંત્રી પોતાનું ધારાસભ્ય બચાવવા જો સુપ્રીમકોર્ટમાં જઈ શકતા હોય તો વાલીઓ માટે કેમ નહી ?

આ વિરોધના સંદર્ભમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ સમગ્ર વિવાદ લાંબો ન ચાલે અને સૌ કોઈના હિતમાં તેનો સત્વરે ઉકેલ લાવવા માટે સુપ્રીમકોર્ટમાં ન જવાનો સરકારે નિર્ણય કર્યો છે.મહત્વનું છે કે હાઈકોર્ટે રાજ્ય સરકારના ફી ન લેવાના પરિપત્રને રદ કરવાના આદેશ સાથે સંચાલકોને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવા પણ જણાવ્યુ છે.

હાઈકોર્ટના આદેશ મુજબ  હવે સરકાર સંચાલક મંડળો અને વાલી મંડળોને સાંભળીને ફી મુદ્દે વચગાળાનો રસ્તો કાઢશે અને કોઈ ફોર્મ્યુલા નક્કી કરશે પરંતુ આ જ પ્રક્રિયા પહેલા કેમ ન કરાઈ ?કેમ સંચાલકો પોતાની રીતે ફી ઘટાડવા સંમંત ન થયા અને સરકારે પણ સ્કૂલોના શિક્ષકોના પગાર તેમજ વાલીઓની આર્થિક સ્થિતિ બંને બાબતને વિચારીને ફી મુદ્દે કોઈ ગાઈડલાઈન કેમ નક્કી ન કરી ? સરકાર પણ સંપૂર્ણ ફી માફી કરવાની માત્ર કાગળ પર જાહેરાત કરી  સંચાલકો તરફી નિર્ણય આવે તેવુ ઈચ્છતી હતી કે શું ?