વડોદરા, દારૃ વેચતા બૂટલેગરોને અંકુશમાં લાવવા માટે પોલીસે વડોદરાના મોટાભાગના બૂટલેગરો પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી.પરંતુ, દારૃનું સૌથી મોટું નેટવર્ક ચલાવતી ગેંગ બાકાત રહી ગઇ છે.
બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં કોયલીના સંતરામ મંદિર પાછળ દારૃના કટિંગ દરમિયાન દરોડો પાડી ૩૮.૨૧ લાખનો દારૃ પકડયો હતો. પોતે દારૃનો ધંધો છોડી દઇ અન્ય બિઝનેસ શરૃ કર્યો હોવાની છાપ ઊભી કરનાર બૂટલેગર લાલુ વડોદરા પોલીસની આંખમાં ધૂળ નાખતો હતો. પરંતુ, એસ.એમ.સી.ની રેડ પછી તેની પોલ ખુલ્લી પડી ગઇ છે. જ્યારે વિજુ સિન્ધી પછી દારૃના ધંધાની કમાન સંભાળનાર સુનિલ ઉર્ફે અદો પણ પોલીસની નજરથી અત્યારસુધી બચતો રહ્યો હતો. વડોદરામાં દારૃનો ધંધો કરતા નામચીન બૂટલેગરો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઇ છે. પરંતુ, આ ગેંગના સૂત્રધારો સુનિલ અને લાલુ બચી જતા હતા. એસ.એમ.સી.ની રેડ પછી પોલીસ તેઓની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા સક્રિય થઇ હોવાની માહિતીના આધારે બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એવી પણ વાત ચાલી રહી છે કે, આરોપીઓના જૂના ગુનાઓની તેમજ તેઓની સંપતિની પણ તપાસ થઇ રહી છે.


