7 કરોડ વર્ષ જૂનું ‘સોમનાથ મહાદેવ’નું પ્રથમ જ્યોતિર્લિંગ, ચંદ્રદેવે શાપમાંથી મુક્ત થવા માટે કરી હતી સ્થાપના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Somnath Jyotirlinga: અફાટ અરબી સમુદ્રના કિનારે આવેલું છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ. પૌરાણિક કાળમાં પ્રભાસ તીર્થ તરીકે ઓળખાતા આ ક્ષેત્રમાં મહાદેવ સાક્ષાત્ બિરાજમાન છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સોમનાથ ગામે ‘સોમનાથ મહાદેવ’નું મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે, ચંદ્રદેવે સ્વયં અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. તેથી જ તેઓ ‘સોમનાથ મહાદેવ’ તરીકે ઓળખાય છે. ખાસ કરીને, શ્રાવણ માસમાં દેશભરમાંથી લાખો શિવભક્તો અહીં આવે છે અને મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો ચાલો જાણીએ, સોમનાથ જ્યોતિર્લિંગ વિશેની કેટલીક રોચક વાતો…
શું છે પૌરાણિક કથા?
દંતકથા પ્રમાણે, ચંદ્રના લગ્ન દક્ષની 27 પુત્રી સાથે થયા હતા. જેને હાલમાં 27 નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ચંદ્રને તેમાંથી રોહિણી સૌથી વધુ ગમતી હોય છે. જેને કારણે તે અન્ય 26 રાણીઓની અવગણના કરતો હોય છે. આ જોઈને સસરા દક્ષ વ્યથિત થઈ જાય છે અને ચંદ્રદેવને ‘ક્ષીણ’ થવાનો શાપ આપે છે. તેને કારણે ચંદ્રદેવ ધીમે ધીમે પોતાનો પ્રકાશ ગુમાવવા લાગે છે. આ સમગ્ર ઘટનાની જાણ તેઓ બ્રહ્માજીને કરે છે અને તેમની સલાહથી પ્રભાસ તીર્થ પર આવીને સમુદ્રકિનારે ભગવાન ભગવાન શિવની પૂજા કરે છે.

ચંદ્રદેવની તપશ્ચર્યા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા અને પ્રજાપતિ દક્ષના શાપમાંથી તેમને મુક્તિ અપાવી હતી. ચંદ્રની વિનંતીથી ભગવાન શિવ અહીં જ સમુદ્રકિનારે જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજ્યા હતા. ચંદ્રદેવનું બીજું નામ ‘સોમ’ છે એટલે મહાદેવ અહીં ‘સોમનાથ’ તરીકે ઓળખાય છે.
ચારેય યુગમાં નવનિર્મિત થયું શિવાલય
ઇ.સ.122માં ભાવ બૃહસ્પતિએ રચેલી ‘સોમનાથ પ્રશસ્તિ’માં જણાવ્યા મુજબ, સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રદેવે સોનાથી બનાવ્યું હતું. બીજા યુગમાં રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું હતું. શ્રીકૃષ્ણએ ચંદનના લાકડાનું મંદિર બનાવ્યું અને ત્યારબાદ ભીમદેવે પથ્થર મંદિર બનાવડાવ્યું હતું.

શ્રાવણના ત્રીજા દિવસે થઈ હતી પહેલી પ્રાણ-પ્રતિષ્ઠા
પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે, સૌપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ત્રીજા દિવસે કરવામાં આવી હતી. વારાણસીની શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાનના અધ્યક્ષ સ્વામી ગજાનંદ સરસ્વતીજીના જણાવ્યા પ્રમાણે, સ્કંદ પુરાણના પ્રભાસખંડની પરંપરાઓ પરથી ઊતરી આવેલા આ પ્રથમ મંદિરનું નિર્માણ 7,99,25,105 વર્ષ પહેલાં થયું હતું.
કેવું છે સોમનાથ મંદિરનું માળખું?
સોમનાથ મંદિરની જમીનથી શિખર સુધીની ઊંચાઈ 155 ફૂટ છે, તેની ઉપરનો ધ્વજદંડ 37 ફૂટનો છે અને તે એક ફૂટનો પરિઘ ધરાવે છે. તેમાં ધ્વજની લંબાઈ 104 ફૂટ છે. આ મંદિરમાં કુલ સાત માળ આવેલા છે. જેમાં ગર્ભગૃહ તથા તેની ઉપરના છ માળનો સમાવેશ થાય છે. મંદિરના સભાગૃહ તેમજ નૃત્ય મંડપમાં કુલ ત્રણ-ત્રણ માળ છે. તેના પર સવર્ણા એટલે કે ઘુમ્મટનો ઉપરનો ભાગ આવે છે. આ બંને સવર્ણા ઉપર આમલસરા બનાવીને તેના ઉપર કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગર્ભગૃહની ઉપરના શિખર પર 10 ટન વજનનો પથ્થરનો કળશ છે. જ્યારે નૃત્ય મંડપ પરનો કળશ 9 મણનો છે. સભામંડપ તથા નૃત્ય મંડપના પ્રત્યેક ઘુમ્મટ પર 1001 કળશ કંડારવામાં આવ્યા છે. સોમનાથના આ સ્થાપનની ભૌગોલિક વિશિષ્ટતા એ છે કે, અહીંથી દરિયામાર્ગે સીધી લીટીમાં જતા દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય કોઈ જમીન નથી.

કેવો છે સોમનાથ મંદિરનો વાસ્તુ વૈભવ?
મંદિર સ્થાપત્ય માટે વાસ્તુવિદ્યામાં દેવ પ્રાસાદ નિર્માણની આઠ શૈલી છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવિડ, નાગર, વિરાટ, સાવનધારા અને મિશ્રક. તેમાંથી નાગર શૈલીમાં આ મંદિરનું બાંધકામ થયું છે. શિલ્પ સ્થાપત્ય પ્રમાણે શિવ પ્રાસાદના પાંચ પ્રકારો છે. વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ. વર્તમાન સોમનાથ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ તરીકે ઓળખાય છે.
આ પ્રસાદની વિશિષ્ટતા એ છે કે, નાગર શૈલીમાં બંધાયેલો આ પ્રાસાદ છેલ્લા આઠસો વર્ષ પછી બન્યો છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉપરાંત સભા મંડપ અને નૃત્ય મંડપ પણ છે. ભગવાન શિવને નટરાજ એટલે કે નૃત્યના રચયિતા આદ્યપુરૂષ ગણવામાં આવે છે. આથી શિવમંદિરમાં નૃત્યમંડપની રચના ઉચિત ગણાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે, કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ આકાશનો ચંદ્ર અને શિવલિંગ બંને એક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે, ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત્ ધરતી પર ન ઊતર્યા હોય તેવું લાગે.
સોમનાથ પર અનેક આક્રમણ થયા હતા
સોમનાથ પર થયેલા વિધર્મી આક્રમણો અંગે વાત કરીએ તો, ઈ.સ. 1279માં મહમદ ગઝનીએ, 1347માં અલ્લાઉદ્દીન ખિલજીના સરદાર અફઝલખાંએ અને 1390, 1451, 1490, 1511, 1530 અને 1701માં ઔરંગઝેબ અને અન્ય વિધર્મીઓએ આ મંદિર પર હુમલા કરીને લૂંટ્યું હતું, પરંતુ આવી દરેક પછડાટ પછી પણ તે પુનઃ સ્થાપિત થતું રહ્યું હતું. 13 નવેમ્બર 1947ના રોજ ખંડિત સોમનાથ મંદિરની મુલાકાત લેનારા સરદાર પટેલના સંકલ્પ સાથે આધુનિક મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 11 મે, 1951ના રોજ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે. મંદિરમાં શ્રીકપર્દી વિનાયક અને શ્રીહનુમાન મંદિર છે. દરરોજ સાંજે મંદિરમાં રોશની કરવામાં આવે છે. રાત્રે 8.00થી 9.00 દરમિયાન ઓપન એર થિયેટરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બતાડવામાં આવે છે.









