Gujarat

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

By GS TEAM
2 Feb 20261 min read
એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

 વડોદરા,૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં પકડાયેલા ે વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ના ઘરે તપાસ દરમિયાન પોલીસને નાણાંકીય વ્યવહારના હિસાબો મળી આવ્યા છે. જેમાં તેણે ડમી એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે. ડમી એકાઉન્ટ કોના નામના હતા, તે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ તપાસ હાથ ધરી છે.

ગત ૯ મી જાન્યુઆરીએ સ્ટેટ મોનિંટરિંગ સેલની ટીમે મળેલી માહિતીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પરથી ૨૩૯.૯૪૦ ગ્રામ હેરોઇન સાથે આરોપીઅમરીકસિંઘ ઉર્ફે સોનુ સરવણસિંઘ મલ્હી,ઉં.વ.૩૭ (રહે. ગુરૃનાનક નગર, છાણી જકાતનાકા) ને ઝડપી પાડયો હતો. તપાસ દરમિયાન વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત ભીખુભાઇ દેસાઇ, ઉં.વ.૫૭ (રહે.સનમિલન સોસાયટી,   હાઇટેન્શન રોડ, સુભાનપુરા) ની સીધી સંડોવણી  પકડાયેલા આરોપી સાથે જણાઇ આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૨૧ દિવસની તપાસ બાદ તેની ધરપકડ કરી રિમાન્ડ લીધા છે. રિમાન્ડ દરમિયાન પોલીસની ટીમે તેના ઘરે તપાસ કરતા નાણાંકીય વ્યવહારોના હિસાબો મળી આવ્યા હતા. પોલીસને મળી આવેલા ડમી એકાઉન્ટની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં એ.એસ.આઇ.અન્ય ડ્રગ્સ ડીલરો સાથે પણ સંપર્કમા હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે તે ડ્રગ્સ પેડલરોની પણ પૂછપરછ કરવામાં આવશે. તેઓની સાથે લક્ષ્મીકાંતના વ્યવહારો અંગે તપાસ થશે. ડ્રગ્સ ઉપરાંત અન્ય મોટા બૂટલેગરો  સાથે પણ તે સંપર્કમાં હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. એન.ડી.પી.એસ. કેસની તપાસ પૂરી થયા પછી એસ.એમ.સી. દ્વારા બૂટલેગરો સાથેના સંપર્કની તપાસ વડોદરા પોલીસને સોંપવામાં આવશે.