Gujarat

વાવ બેઠક પર દસ કા દમ: માવજીભાઇ માન્યા નહીં, કોંગ્રેસના 'ગુલાબ' ખીલશે કે ભાજપનું 'કમળ'?

By GS Team
30 Oct 20244 mins read
This article was originally published on 30 Oct 2024
TukuTouch Logo
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યાર સુધી 5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. પરંતુ આ બેઠક પર સૌથી શક્તિશાળી અપક્ષ ગણાતા અને ભાજપના નેતા એવા માવજીભાઈ પટેલ ફોર્મ પરત ખેંચવા અંગે માન્યા નથી. આ બેઠક પર હવે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ એવા માવજી પટેલ વચ્ચે જંગ જામશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ બેઠક પર દસ કા દમ: માવજીભાઇ માન્યા નહીં, કોંગ્રેસના 'ગુલાબ' ખીલશે કે ભાજપનું 'કમળ'?

Vav by-election : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યાર સુધી 5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. પરંતુ આ બેઠક પર સૌથી શક્તિશાળી અપક્ષ ગણાતા અને ભાજપના નેતા એવા માવજીભાઈ પટેલ ફોર્મ પરત ખેંચવા અંગે માન્યા નથી. આ બેઠક પર હવે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ એવા માવજી પટેલ વચ્ચે જંગ જામશે.

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક હાઇપ્રોફાઇલ બની ગઇ છે. છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ગેનીબેન ઠાકોરે પોતાના કૌટુંબિક કાકાને મનાવી લીધા છે, તો બીજી તરફ માવજીભાઇ પટેલ માન્યા નથી, ફૂલ ફોર્મમાં બેટીંગ કરવાના મૂડમાં છે. હવે માવજીભાઇ મેદાને છે તો તેનાથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને નુકસાન થઇ શકે છે. 

આ પણ વાંચો: ઠાકરશી રબારી મોટી બગાવતના મૂડમાં: કટાક્ષ કરતાં કહ્યું; 'બનાસની બેન ગુલાબની બેન'

આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. ત્યારે 5 અપક્ષોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. જેથી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે કે, વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે કુલ 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેથી વાવ બેઠક પર દસ કા દમ જોવા મળશે. 

હવે રાજકીય પરિસ્થિતિ પ્રમાણે કોંગેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજીભાઇ પટેલ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. 

હવે વાવ બેઠક વટનો સવાલ બની ગયો છે. જેથી ઠાકોર, રાજપૂત અને ચૌધરી ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. 

આ પણ વાંચો: ભાજપના ઉમેદવાર સ્વરૂપજીએ કહ્યું- મારી પાઘડીની લાજ રાખજો, તો ગેનીબેને મતદારોને કરી ઈમોશનલ અપીલ

કયા કયા ઉમેદવારનું ફોર્મ સ્વીકારાયું?

  1. ગુલાબસિંહ રાજપૂત (કોંગ્રેસ)
  2. ઠાકોર સ્વરૂપજી (ભાજપ)
  3. પટેલ માવજીભાઈ (અપક્ષ)
  4. ચેતનકુમાર ઓઝા (ભારતીય જન પરિષદ)
  5. હરિજન વિક્રમભાઈ (અપક્ષ)
  6. નિરૂપાબેન માધુ (અપક્ષ)
  7. મંજુબેન રાઠોડ (અપક્ષ)
  8. મનોજભાઈ પરમાર (અપક્ષ) 
  9. લક્ષ્મીબેન ઠાકોર (અપક્ષ) 
  10. જયેન્દ્ર રાઠોડ (અપક્ષ) 

કયા કયા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું?

  • ભુરાજી ઠાકોર (અપક્ષ)
  • કલાલ નાગજીભાઈ (અપક્ષ)
  • જામાભાઈ ચૌધરી (અપક્ષ)
  • ચમનભાઈ સોલંકી (અપક્ષ)
  • ગામોત ગોવિંદરામ (અપક્ષ)

કયા કયા ઉમેદવારનું ફોર્મ રદ થયું?

  • ખેમજીભાઈ વાઘેલા (અપક્ષ)
  • ખેમજીભાઈ વાઘેલા (ભાજપ)
  • પટેલ માવજીભાઈ (ભાજપ)
  • મકવાણા ભાવસંગજી (કોંગ્રેસ)
  • અમીરાભાઈ અશાલ (ભાજપ)
  • ઠાકોર પિરાજી (ભાજપ)
  • પટેલ લાલજીભાઈ (ભાજપ)

વાવ બેઠકના જાતિગત સમીકરણ 

વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહી આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો બાજી પલટી શકે છે. આવો વિગતવાર જાણીએ કઇ જાતિના કેટલા મતદારો છે. 

કુલ મતદારો- 3,10,681

ઠાકોર- 44000

રાજપૂત- 41000

ચૌધરી- 40000

દલિત- 30000

રબારી- 19000

બ્રાહ્મણ- 15000

મુસ્લિમ- 14500

3.10 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારનું ભાગ્ય

વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3.10 લાખ મતદારો છે, જેમાં 1.61 લાખ પુરુષ જ્યારે 1.49 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલિંગ સ્ટેશન છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર 7 સખી મતદાન મથકો, એક આદર્શ મથક તથા એક PWD અને એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે 1400થી વધુ અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને નિષ્પક્ષ અને ન્યાય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય છે.

ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર

કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે.  ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

વર્ષ 2022માં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા સ્વરૂપજી

સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022માં વાવ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે લડ્યાં હતાં. જેમા તેમની હાર થઈ હતી. ગેનીબેન ઠાકોરને 102513 મત મળ્યા હતા, જ્યારે સ્વરૂપજી ઠાકોરને 86912 મત મળ્યા હતા. એટલે કે સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે 15,601 મતથી હારી ગયા હતા. 

ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.