Get The App

જામનગર-ખંભાળિયા હાઇવે પર ઠંડા પીણાની બોટલો ભરેલો ટેમ્પો પલટ્યો, રસ્તા પર કાચના ટુકડા વેરવિખેર

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-ખંભાળિયા હાઇવે પર ઠંડા પીણાની બોટલો ભરેલો ટેમ્પો પલટ્યો, રસ્તા પર કાચના ટુકડા વેરવિખેર 1 - image


Jamnagar News: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રવિવારે (22મી ફેબ્રુઆરી) એક માલવાહક ટેમ્પો પલટી મારી જતાં મોટાપાયે નુકસાની અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઠંડા પીણાની કાચની બોટલો ભરેલો ટેમ્પો માર્ગ પર આડો પડી જતાં હજારો બોટલોનો ચૂરેચૂરા બોલી ગયા હતો અને હાઇવે પર કાચના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા.

ગોરધનપરના પાટીયા પાસે સર્જાઈ ઘટના

મળતી માહિતી અનુસાર, જામનગર-ખંભાળિયા હાઇવે પર આવેલા ગોરધનપર ગામના પાટીયા નજીક ઠંડા પીણાની બોટલો ભરેલો એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પોમાં રહેલા કાચની બોટલોના કેરેટ સીધા રોડ પર પટકાયા હતા, જેના કારણે રસ્તા પર કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. 

જામનગર-ખંભાળિયા હાઇવે પર ઠંડા પીણાની બોટલો ભરેલો ટેમ્પો પલટ્યો, રસ્તા પર કાચના ટુકડા વેરવિખેર 2 - image

જેસીબી અને સફાઈ કામદારો કામે લાગ્યા

કાચના ટુકડા એટલી મોટી માત્રામાં રસ્તા પર ફેલાઈ ગયા હતા કે સામાન્ય રીતે તેને હટાવવા અશક્ય હતા. આથી માર્ગ પરથી કાચના મોટા જથ્થાને દૂર કરવા માટે તાત્કાલિક જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું. સફાઈ કામદારોએ સાવરણા અને પાવડાની મદદથી ઝીણા કાચના ટુકડા ભેગા કરી રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમરેલી: સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, 28 વર્ષીય યુવાનનું મોત, 9 ઈજાગ્રસ્ત

વાહનોની લાંબી કતાર અને પોલીસની દોડધામ

અકસ્માતને પગલે હાઇવેનો એક તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ અને સફાઈ તંત્રની એકાદ કલાકની ભારે જહેમત બાદ કાચના ટુકડા હટાવી રસ્તો સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ માલસામાનને મોટું નુકસાન પહોંચ્યું છે.