- તંત્રની ટીમે 1009 સ્થળે દરોડા પાડી 922 વાહન જપ્ત કર્યા
- ખનીજ વિભાગની સાથે પોલીસ અને મહેસૂલ તંત્રના સંયુક્ત ઓપરેશનથી ભૂમાફિયાઓની કમર ભાંગી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરીને ડામવા માટે ખાણ-ખનીજ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ખનીજ ખનન, વહન અને સંગ્રહના સ્થળો પર કુલ ૧,૦૦૯ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન કાર્બોસેલ, પથ્થર અને સિલિકા જેવી ખનીજ સંપત્તિની ચોરીમાં સંડોવાયેલા ટ્રેલર, જેસીબી, હિટાચી મશીન અને ટ્રેક્ટરો સહિત ૯૨૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ખનીજ વિભાગની સાથે પોલીસ અને મહેસૂલ તંત્રના સંયુક્ત ઓપરેશનને કારણે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ખાણ-ખનીજ વિભાગે આ વર્ષે રેકોર્ડબ્રેક ૧૫.૪૦ કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી અને દંડ વસૂલવામાં સુરેન્દ્રનગર જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. જોકે, સતત થતી કાર્યવાહીને કારણે હવે તંત્ર સામે નવી મુશ્કેલી ઊભી થઈ છે. જપ્ત કરેલા વાહનો અને ખનીજના જથ્થાના કારણે ઓફિસ પાસેના ગ્રાઉન્ડ ભરાઈ ગયા છે. વાહનોના થપ્પા લાગી જવાથી હવે નવા પકડાતા વાહનો ક્યાં મૂકવા તે પ્રશ્ન સતાવી રહ્યો છે. અધિકારીઓએ આગામી દિવસોમાં ઝડપાયેલો મુદ્દામાલ રાખવા માટે નવી જગ્યા ફાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


