Get The App

સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્યા

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
સુરત: વરાછાની SBI બેન્કમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્યા 1 - image

SBI Bank Robbery: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ (DCB)ને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી આરોપી  શુભમ કુમાર ઠાકુર અને વિકાસ સિંઘ ની ધરપકડ કરી છે.

ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવાની તજવીજ

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા બંને આરોપીઓને આજે ઉત્તર પ્રદેશની ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી રહી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીઓને સઘન પૂછપરછ અને લૂંટાયેલી રકમ રિકવર કરવા માટે સુરત લાવવામાં આવશે.

વરાછા વિસ્તારની વ્યસ્ત SBI બેન્કમાં ધોળા દિવસે થયેલી આ લૂંટને પગલે શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. સુરત પોલીસ કમિશનરના આદેશથી ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો આ કેસના ઉકેલ માટે કામે લાગી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ લૂંટને અંજામ આપી સીધા રાજ્ય બહાર ભાગી ગયા હતા. હવે સુરત લાવ્યા બાદ તેમની પૂછપરછમાં આ ટોળકીમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઇવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ

જાણો શું છે સમગ્ર મામલો

વરાછા વિસ્તારમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચ આવેલી છે. ભરચક ગણાતા આ વિસ્તારમાં હાલ મેટ્રોનું કામ ચાલતું હતું. જેને બેન્કનું ખાસ કામ હોય તેવા ગણતરીના લોકો જ હાલ બેન્કમાં આન્ટ્રી આતા. આ દરમિયાન 27મી એપ્રિલના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં બેન્કનો સ્ટાફ તેમની કામગીરી કરી રહ્યો હતો, ત્યારે પાંચ યુવાનો ત્યાં આવ્યા હતા. તે પૈકી કેટલાકે પાછળ કોલેજ બેગ જેવી બેગ રાખી હતી અને એક પાસે મોટો થેલો હતો. 

હિન્દીભાષા બોલતા આ યુવાનોએ પિસ્તોલ કાઢીને મહિલાઓ સહિતના સ્ટાફ અને ગ્રાહકોને બાનમાં લેવાનું શરૂ કર્યું હતું અને તેમને એક તરફ લઈ જઈ કેશિયર પાસેથી 12 લાખ રૂપિયા લૂંટયા હતા. તેઓ ત્યાંથી ભાગવાની તૈયારી કરતા હતા તે સમયે જ બેન્કમાં કેશ ડિપોઝીટ કરતી વેન પૈસા ભરેલું બોક્સ લઈને આવતા તેને પણ બંધક બનાવી તેમાંથી બીજા 40 લાખ રૂપિયા મળી કુલ 52 લાખ રૂપિયાની મત્તાની લૂંટ કરી હતી અને પૈસા થેલા અને બેગમાં ભરી તેમજ સ્ટાફ અને ગ્રાહકોના મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા.