સુરત: પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી બે કેદી ફરાર થયા હોવાની ઘટના સામે આવી હતી. જેમાંથી શુભમ નામના કેદીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સિંગણપોર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે, શુભમ નામના આરોપીની પોક્સોના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જો કે, બીજો આરોપી હજુ ફરાર છે.
આરોપીની દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી હતી
મળતી માહિતી અનુસાર, સુરતના ચોક બજાર પોલીસે દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી શુભમ શર્માને રાજકોટ ખાતે જેલ હવાલે કરાયો હતો. જ્યારે ગત શુક્રવારે આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરવા માટે લાવ્યા હતા,પરંતુ કોર્ટમાં રજૂઆત દરમિયાન આરોપીને ખેંચ આવતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ દરમિયાન આરોપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે શુભમ શર્માની સિંગણપોર વિસ્તારમાંથી ઝડપીને ફરી જેલ હવાલે કર્યો છે.

પોલીસ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા
મૂળ મહારાષ્ટ્રના અને હાલ પલસાણામાં રહેતા ઉત્તમ ધનગઢ વિરૂદ્ધમાં કડોદરા GIDC પોલીસ મથકમાં મે 2025માં હત્યો ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે પોલીસ આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. પરંતુ આરોપીને ખભાના ભાગે ઈજા થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાંથી આરોપી અચાનક પોલીસકર્મીઓને ધક્કો મારી હાથકડી સાથે ભાગી છૂટ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાકમાં બે ગંભીર ગુનાના આરોપીઓ પોલીસ જાપ્તામાંથી ભાગી જતાં પોલીસ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનાને પગલે ખટોદરા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.








