Get The App

સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
સાબરમતી નદીના ધસમસતા પ્રવાહમાં 7 લોકો ફસાયા, NDRFની ટીમે કલાકોની  મહેનત બાદ તમામનું રેસ્ક્યુ કર્યું 1 - image


Sabarmati River: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી તિભારે વરસાદ વરસતા મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મહેસાણા જિલ્લાના વડનગરમાં જૂની વાગડી નજીક સાબરમતી નદીમાં રેતી લેવા ગયેલા 7 લોકો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.જો કે, NDRFની ટીમે કલાકોની મહેનત બાદ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.



તમામ સાત લોકોને હેમખેમ બચાવ્યા

મળતી માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં સાત લોકો નદીના વચ્ચે અટવાઈ ગયા હતા. સ્થાનિક ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ(NDRF)ને બોલાવવામાં આવી. NDRFની ટીમે 22 કલાકની અથાગ મહેનત બાદ તમામ 7 લોકોને હેમખેમ બચાવી લીધા. 



રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન નદીનો તીવ્ર પ્રવાહ અને વરસાદી વાતાવરણે ટીમની કામગીરીને વધુ મુશ્કેલ બનાવી હતી, પરંતુ NDRF અને ફાયર ટીમની સમન્વયિત કામગીરીએ આ મિશનને સફળ બનાવ્યું. બચાવાયેલા તમામ લોકો સુરક્ષિત છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી નદી છલકાઈ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં

ધરોઈ ડેમના 4 દરવાજા ખોલાયા

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે, ધરોઈ ડેમ હાલ 58 ટકા થી વધુ ભરાયો છે, જેમાં આજની તારીખે 59,444 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, અને સાબરમતી નદીમાં 58,880 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. 

સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરોને જાણ કરવામાં આવી છે. સાબરમતીમાં પાણી વધતા મહેસાણા, સાબરકાંઠાના નદી કાંઠાના વિસ્તારોને ઍલર્ટ કરાયા છે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયા છે. ખેડા જિલ્લામાં સાબરમતી નદી કાંઠાના વિસ્તારના પણ ઍલર્ટ કરાયા છે. ધરોઈ ડેમમાં 59 હજાર 444 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, ધરોઈ ડેમમાં હાલ 94.20 ટકા પાણીનો જથ્થો છે. 


Tags :