Get The App

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં 'લોલમલોલ', ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ્યો

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં 'લોલમલોલ', ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ્યો 1 - image


Surat News: નાણાકીય વર્ષ પૂરું થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર કેપિટલ કામોના પેમેન્ટ પતાવવા દોડાદોડ કરી રહ્યું છે. જોકે, બીજી તરફ આ ઉતાવળનો લાભ લઈ એકાઉન્ટ વિભાગ દ્વારા થતા ચુકવણામાં મોટા ગોટાળા બહાર આવ્યા છે. તાજેતરમાં વિભાગના વડા બદલાતા નવી નિમણૂક પામેલા ડેપ્યુટી કમિશનરે લીધેલી બેઠકમાં એકાઉન્ટ વિભાગની વર્ષો જૂની 'લાલિયાવાડી'નો ભાંડો ફૂટ્યો છે. બિલ અને ચલણની રકમમાં વિસંગતતા દેખાતા ડેપ્યુટી કમિશનરે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી શિસ્તબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી છે.

બદલી બાદ પાપ છાપરે ચઢીને પોકાર્યું

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં લાંબા સમયથી ગેરરીતિ ચાલતી હોવાના આક્ષેપો થતા હતા, પરંતુ મિલીભગતના કારણે કોઈ નક્કર પગલાં ભરાયા નહોતા. થોડા દિવસો પહેલા જ મ્યુનિસિપલ કમિશનરે બદલીઓનો ગંજીફો ચીપ્યો હતો, જેમાં ખજોદ કચરા કૌભાંડ અને ટર્શરી ટ્રીટમેન્ટના ભાવ નક્કી કરવામાં વિવાદમાં આવેલા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ પાસેથી એકાઉન્ટ વિભાગનો હવાલો લઈ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાનને સોંપવામાં આવ્યો હતો.

બિલ અને ચેકની રકમમાં મોટો તફાવત

નવા ડેપ્યુટી કમિશનરે કાર્યભાર સંભાળતાની સાથે જ ગણતરીના દિવસોમાં વિભાગમાં ચાલતી ખોટી પ્રેક્ટિસ પકડી પાડી હતી. તેમણે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બોલાવેલી બેઠકમાં ખુલાસો કર્યો હતો કે, કેટલાક કિસ્સામાં રજૂ થયેલા ઓરિજિનલ બિલ અને પેમેન્ટ માટે તૈયાર કરાયેલા ચેક કે ચલણની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો છે. તેમણે પૂર્વ અધિકારીની હાજરીમાં જ કડક શબ્દોમાં ટકોર કરી હતી કે, કોઈપણ ચલણ પર સહી કરતા પૂર્વે બિલની ચોકસાઈપૂર્વક ચકાસણી કરવી અનિવાર્ય છે.

31 માર્ચ સુધીમાં પેમેન્ટ ક્લિયર કરવા આદેશ

એકાઉન્ટ વિભાગમાં ચાલતી ગેરરીતિઓ સામે નારાજગી વ્યક્ત કરવા સાથે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાને 31 માર્ચ સુધીમાં મહત્તમ બિલોની ચૂકવણી પતાવવા સૂચના આપી છે. નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું હોવાથી અત્યારે સિસ્ટમમાં મોટો ફેરફાર શક્ય નથી, પરંતુ હાલની વ્યવસ્થામાં યોગ્ય ચેનલ ઉભી કરી પેમેન્ટનો નિકાલ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, તમામ અધિકારીઓને એક લિંક આપીને બાકી બિલો અને નવા રજૂ થનારા બિલોની વિગતો ઓનલાઈન અપલોડ કરવા તાકીદ કરવામાં આવી છે.