Get The App

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે 1 - image


Surat News : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના ઐતિહાસિક મુગલીસરા વિસ્તાર અને પાલિકાના મુખ્ય બિલ્ડિંગના નામકરણનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મુગલીસરાને હવે 'શ્રી તાપીપુરા' તરીકે ઓળખવાની મંજૂરી આપી છે, પરંતુ આ નિર્ણય સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આ નામકરણને ઉતાવળિયું અને માત્ર રાજકીય લાભ ખાટવાનું પગલું ગણાવ્યું છે.

1995થી શાસન હોવા છતાં અત્યારે જ કેમ યાદ આવ્યા માં તાપી?

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શાસક પક્ષ ભાજપ પર નિશાન સાધતા સવાલ કર્યો છે કે, સુરત પાલિકામાં 1995થી ભાજપનું શાસન છે, તો છેક 2026માં તેમને માં તાપી કેમ યાદ આવ્યા? તેમણે આક્ષેપ કર્યો કે, જ્યારે આગામી થોડા વર્ષોમાં પાલિકાની મુખ્ય કચેરી ખટોદરા ખાતે નવનિર્મિત 27 માળના બિલ્ડિંગમાં સ્થળાંતર થવાની છે, ત્યારે અત્યારે જૂની કચેરીનું નામ 'શ્રી તાપી ભવન' રાખવું એ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો સ્ટંટ છે.

નવા બિલ્ડિંગનું નામ પણ 'તાપી ભવન' રાખો: કોંગ્રેસ

અસલમ સાયકલવાલાએ પડકાર ફેંકતા કહ્યું કે, જો ભાજપને ખરેખર માં તાપી પ્રત્યે આટલો પ્રેમ અને લાગણી હોય, તો ખટોદરા રિંગરોડ પર બની રહેલી 27 માળની ભવ્ય પાલિકા કચેરીનું નામ પણ 'શ્રી તાપી ભવન' રાખવું જોઈએ. માત્ર રાજકીય ફાયદા માટે ઐતિહાસિક વારસા સાથે છેડછાડ કરવી યોગ્ય નથી.

સ્થાનિકોના મંતવ્યની અવગણનાનો આક્ષેપ

મુગલીસરા વિસ્તારના નામ બદલવા મુદ્દે તેમણે ઉમેર્યું કે, મુગલકાળથી આ વિસ્તાર તેની આગવી ઓળખ ધરાવે છે. આ વિસ્તારના સ્થાનિક રહીશોના મંતવ્યો જાણ્યા વગર કે તેમને વિશ્વાસમાં લીધા વગર 'શ્રી તાપીપુરા' નામકરણ કરવું એ લોકશાહી વિરુદ્ધનું અને ઉતાવળિયું પગલું છે. કોઈપણ વિસ્તારની વર્ષો જૂની ઓળખ બદલતા પહેલા ત્યાંના લોકોની સંમતિ અનિવાર્ય હોવી જોઈએ.

આ નામકરણ બાદ સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ ભાજપ આને સાંસ્કૃતિક ઓળખ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષ આને આગામી ચૂંટણીલક્ષી ગતકડું ગણાવી રહ્યો છે.