Gujarat

સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હજી એક વર્ષ સુધી સત્તા ભોગવશે

By GS TEAM
16 Mar 20262 mins read
TukuTouch Logo
અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડીયા નવા અધ્યક્ષ ન આવે ત્યાં સુધી તમામ સત્તા ભોગવશે, નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હજી એક વર્ષ સુધી સત્તા ભોગવશે

Surat Education Committee: સુરત પાલિકાની 2021 ની ચૂંટણીના નવ મહિના બાદ શિક્ષણ સમિતિની ટીમ જાહેર થઈ હતી અને હાલમાં 11 માર્ચે કોર્પોરેટરની ટર્મ પૂરી થતાં સમિતિના સભ્યો પૂર્વ સભ્ય બની ગયા હતા. પરંતુ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ટર્મ ચાલુ રહશે. પાલિકાની ચૂંટણી બાદ પણ નવું જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી સમિતિના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે અને તમામ સત્તા ભોગવશે પરંતુ નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકશે. 

સુરત પાલિકાની ટર્મ 11 માર્ચના રોજ પૂરી થઈ ગઈ અને પદાધિકારીઓ-કોર્પોરેટરો પુર્વ બની ગયા છે. આ સાથે શિક્ષણ સમિતિના સભ્યો પણ પુર્વ થઈ ગયા છે. જોકે, પાલિકાની ચૂંટણી થાય અને નવા ચૂંટાયેલા સભ્યો કોર્પોરેટર પદભાર સંભાળશે અને ચુંટાયેલા પ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક કરશે. પાલિકામાં જે સત્તાપક્ષ પર આવશે તે પક્ષના સભ્યોની સંખ્યાના આધારે શિક્ષણ સમિતિની નવી ટીમ જાહેર થશે. 

જે રીતે ગત ટર્મમાં પાલિકાના પદાધિકારીઓની નિમણુંકના નવ મહિના બાદ ગેઝેટ જાહેર થયું હતું અને ત્યારબાદ શિક્ષણ સમિતિની ટીમ જાહેર થઈ હતી. જોકે, હજી પાલિકાની ચૂંટણી બાકી છે ત્યાર બાદ સમિતિના સભ્યોની ચૂંટણી થશે તથા સરકારમાં મોકલવામાં આવશે. ત્યારે ગેઝેટ બહાર પડશે અને ત્યારબાદ શિક્ષણ સમિતિની નવી ટીમ જાહેર થશે. 

આ પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે તેવી શક્યતા છે. તેથી હાલના શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયા હજી એક વર્ષ સુધી સમિતિના અધ્યક્ષ બની રહેશે તથા ઉપાધ્યક્ષ પણ એક વર્ષ સુધી રહેશે. આ સમય દરમિયાન તેઓ અધ્યક્ષ તરીકેની તમામ સત્તા ભોગવશે માત્ર નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકશે. જોકે, ઈનચાર્જ શાસનાધિકારી તરીકે પહેલા થયેલા કામોને આગળ ધપાવી શકશે. આમ સમિતિના સભ્યોની ટર્મ પુરી થઈ ગઈ છે પરંતુ હાલના અધ્યક્ષ એક વર્ષ સુધી સત્તાનો સ્વાદ માણી શકશે.