Gujarat

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

By GS TEAM
19 Mar 20262 mins read
TukuTouch Logo
મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની 40 વર્ષીય સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા હાલ સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી શગુન રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

Surat News: સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતા એક રત્નકલાકાર અને હીરા દલાલે આર્થિક દેવું વધી જતાં ઝેર પીને ફાની દુનિયા છોડી દીધી છે. દિવાળી પહેલા હીરા દલાલીના વ્યવસાયમાં અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ જતાં અને લેણદારોની ઉઘરાણી વધતા યુવકે આ અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત કરતા પહેલાં યુવકે ત્રણ અલગ-અલગ વીડિયો બનાવી પોતાની વ્યથા ઠાલવી હતી, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

દેવાના ટેન્શનમાં પગલું ભર્યું

મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની 40 વર્ષીય સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા હાલ સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી શગુન રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ કાપોદ્રા વિસ્તારની એક હીરાની ઓફિસમાં નોકરી કરતા હતા. અગાઉ હીરા દલાલીના કામકાજમાં તેમને અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. લેણદારોના સતત આવતા ફોન અને પૈસાની પઠાણી ઉઘરાણી સામે કોઈ રસ્તો ન જણાતા તેમણે ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો

વીડિયોમાં રડી પડ્યા સંદીપભાઈ: "છોકરા નાના છે, પણ હવે જીવાતું નથી"

સંદીપભાઈએ આપઘાત કરતા પહેલા ત્રણ વીડિયો બનાવ્યા હતા, જેમાં તેમણે પોતાની મજબૂરી વ્યક્ત કરી હતી: "મેં દવા પી લીધી છે, મને બધા માફ કરજો. અત્યારે હું કોઈના પૈસા તાત્કાલિક આપી શકું તેમ નથી. મેં અનાજમાં નાખવાનો પાવડર પી લીધો છે. આમાં મારા પરિવારનો કોઈ વાંક નથી. મારા ભાઈઓ અને આખું ઘર બહુ સારું છે, પણ મને રોજ એટલું ટેન્શન રહે છે કે હવે મારાથી જીવાતું નથી."

"હું લેણદારોથી કંટાળી ગયો છું અને મારી મરજીથી જીવનનો અંત આણુ છું. પપ્પા મને માફ કરજો. મારે આ કરવું નથી પણ હવે કોઈ રસ્તો નથી. હું લોકોને જવાબ નથી આપી શકતો. મારી પાસે એવો કોઈ ધંધો નથી કે તાત્કાલિક પૈસા આવી જાય, અને ઘરવાળાને પણ આ વાત કહી શકતો નથી. માર્કેટમાં મારે પણ 16-17 લાખ રૂપિયા લેવાના નીકળે છે, જે ફસાઈ ગયા છે. એ પૈસા પાછા ન આવવાને કારણે હું સમયસર બીજા લોકોને પૈસા ચૂકવી શક્યો નથી."

પરિવારમાં શોકનું મોજું

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ સંદીપભાઈએ તેમના મોટા ભાઈને આર્થિક ભીંસ અંગે વાત કરી હતી કે તેમની પાસે લેણદારોને આપવા માટે કોઈ જવાબ બચ્યો નથી. આ ઘટનાએ સુરતના હીરા બજારમાં ફરી એકવાર આર્થિક કટોકટી અને તેના કારણે થતા આપઘાતના કિસ્સાઓ પર ચર્ચા જગાવી છે.