Get The App

એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇલ પરત મોકલી

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
એકસરખા રોડ કામમાં ભાવફેર સામે સુરત પાલિકાની સ્થાયી સમિતિ કડક : એક કામમાં ઘટાડ્યા ભાવ, બીજા કામની ફાઇલ પરત મોકલી 1 - image

Surat Corporation : સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં જાહેર કામોના ટેન્ડરની ચકાસણી હવે વધુ કડક બની રહી છે. એક સરખા પ્રકારના રોડ કામ માટે અલગ-અલગ ઝોનમાં નોંધાયેલા ભાવફેર સામે શાસકોએ સખત વલણ અપનાવતા એક ગામમાં ઇજારદાર પાસેથી વધુ ભાવ ઘટાડાવ્યા હતા, જ્યારે અન્ય એક કામની ફાઇલ સ્પષ્ટતા માટે પરત મોકલી હતી. સ્થાયી સમિતિના આ નિર્ણયથી પાલિકાને 20.50 લાખની બચત થઈ હોવાનું સ્થાયી સમિતિએ જણાવ્યું હતું. 

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર કામોના ટેન્ડરોમાં ભાવ અને શરતોની ચકાસણી કરવામાં આવી રહી છે. ગુરુવારે મળેલી બેઠકમાં પણ રોડકામના બે અલગ-અલગ ટેન્ડરોમાં જોવા મળેલા ભાવફેર મુદ્દે સ્થાયી સમિતિએ કડક વલણ અપનાવ્યું હતું. રાંદેર ઝોન વિસ્તારમાં ટી.પી. રસ્તાઓને સબ ગ્રેડથી ટોપ વેરીંગ લેયર સુધી ટ્રેન્ચ લાઇન રી ઇન્સ્ટ્રેટ કરવા, ફૂટપાથ, વોટર ટેબલ, ડિવાઇડર, પેવમેન્ટ માર્કિંગ તેમજ રોડ સાજીસ લગાવવાની કામગીરી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અંદાજે રૂ.12.07 કરોડના આ કામ માટે ચાર ઇજારદારોએ ટેન્ડર ભર્યા હતા. જેમાં સૌથી નીચો ભાવ ભરનાર ઇજારદાર સુનિલ દોમડીયાએ અંદાજિત કિંમત કરતાં 5.30 ટકા નીચા ભાવે એટલે કે 11.43 કરોડમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી.  

જોકે, સ્થાયી સમિતિની ચર્ચા દરમિયાન સરથાણા ઝોનમાં સમાન પ્રકારના રોડ કામ માટે 8.21 ટકા નીચો ભાવ મળ્યો હોવાની વિગતો સમક્ષ આવતા ચેરમેન રાજન પટેલે આ ભાવ ફેર અંગે સવાલ ઉઠાવ્યા હતા. એકસરખા પ્રકારના કામમાં આટલો તફાવત કેમ તે અંગે ચર્ચા બાદ ઇજારદારને વધુ વાજબી ભાવ આપવા સૂચન કરાયું હતું. ત્યારબાદ ઇજારદારે 7 ટકા નીચા ભાવે કામ કરવા સંમતિ વ્યક્ત કરતાં દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી પાલિકાની તિજોરીમાં અંદાજે 20.50 લાખની વધારાની બચત થશે.  

આ ઉપરાંત સરથાણા ઝોનમાં 24 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા ટી.પી. અને નોન ટી.પી. રસ્તાઓના નિર્માણ અને મરામત સંબંધિત રૂ.25.20 કરોડના કામ માટે ઇજારદારે 12.60 ટકા નીચા ભાવે એટલે કે રૂ.22.02 કરોડમાં કામ કરવાની તૈયારી દર્શાવી હતી. બીજી તરફ ઉધના ઝોનમાં સમાન પ્રકારના રૂ.22.98 કરોડના કામ માટે માત્ર 5 ટકા નીચા ભાવે એટલે કે રૂ.21.83 કરોડમાં કામ કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી.  

બંને ઝોનના કામની સરખામણીમાં નોંધપાત્ર ભાવફેર સામે સ્થાયી સમિતિએ ગંભીર નોંધ લીધી હતી. ખાસ કરીને ઉધના ઝોનના કામ ચોમાસા બાદ હાથ ધરવાનું હોવાથી ઉતાવળમાં નિર્ણય લેવાની જરૂરિયાત ન હોવાનું માની સમિતિએ ફાઇલ વહીવટી તંત્રને પરત મોકલી હતી. સાથે જ ભાવની પુનઃ ચકાસણી કરી વધુ સ્પર્ધાત્મક અને વાજબી દરો મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.