Get The App

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા 1 - image


Surat News: સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે (24મી એપ્રિલ) ટ્યુશનથી ઘરે જઈ રહેલી સગીરાની છેડતીની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. આ મામલે આજે (25મી એપ્રિલ) પકડાયેલા આરોપી મોહમ્મદ અઝીઝને લઈને જ્યારે પોલીસ ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી, ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઉગ્ર બનેલી ભીડ અને મહિલાઓના વિરોધ વચ્ચે પોલીસે ભારે જહેમત બાદ આરોપીને બહાર કાઢવો પડ્યો હતો.

શું હતી ઘટના?

ગત રાત્રે અલથાણ વિસ્તારમાં આવેલી એટલાન્ટા મોલ પાસેના ટ્યુશન ક્લાસથી 12 વર્ષની દીકરી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન અંદાજે 40 વર્ષીય મહંમદ અઝીઝ નામના શખસે સગીરાની છેડતી કરી હતી. બાળકીએ હિંમત બતાવી ચીસાચીસ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

પાટીદાર સમાજની દીકરી સાથે છેડતીનો મેસેજ સોશિયલ મીડિયા વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગત રાત્રે પણ ૩ કલાક સુધી લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.

રિકન્સ્ટ્રક્શન સમયે પથ્થરમારો અને સૂત્રોચ્ચાર

આજે પોલીસ જ્યારે આરોપી મોહમ્મદ અઝીઝ ઈમ્તીયાઝને એટલાન્ટા મોલ પાસે રિકન્સ્ટ્રક્શન માટે લાવી ત્યારે પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં. ભીડને જોતા પોલીસ આરોપીને અડધો કિલોમીટર દૂર ઉતારીને કન્સ્ટ્રક્શન સાઈટના રસ્તેથી લાવી હતી.

આ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. આરોપીને જોતા જ મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ચપ્પલ અને પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. બેકાબૂ બનેલી ભીડથી આરોપીને બચાવવા પોલીસે માનવ સાંકળ બનાવી સુરક્ષા કવચ તૈયાર કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ આરોપીને વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. અલથાણ વિસ્તારમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ આરોપીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી છે. પોલીસ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.