Gujarat

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં

By GS TEAM
15 Jun 20263 mins read
TukuTouch Logo
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 26 નિર્દોષ લોકોના મોત બાદ રાજ્યભરમાં ઉભા થયેલા સુરક્ષા પ્રશ્નોની વચ્ચે સુરત મહાનગરપાલિકા હવે ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે કડક કાર્યવાહી કરી હતી પરંતુ થોડા સમય બાદ કામગીરી સ્થગિત કરી દીધી હતી. જોકે, હવે ફરી અચાનક પાલિકા તંત્ર જાગ્યું છે અને શહેરમાં જીવતા બોમ્બ સમાન ઉભા કરાયેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરોની યાદી તૈયાર કરવા પાલિકા કમિશનર નાગરાજન દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ સોમવારે સવારથી જ તમામ ઝોનમાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 26 નિર્દોષ લોકોના મોત બાદ રાજ્યભરમાં ઉભા થયેલા સુરક્ષા પ્રશ્નોની વચ્ચે સુરત મહાનગરપાલિકા હવે ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે કડક કાર્યવાહી કરી હતી પરંતુ થોડા સમય બાદ કામગીરી સ્થગિત કરી દીધી હતી.  જોકે, હવે ફરી અચાનક પાલિકા તંત્ર જાગ્યું છે અને   શહેરમાં જીવતા બોમ્બ સમાન ઉભા કરાયેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરોની યાદી તૈયાર કરવા પાલિકા કમિશનર નાગરાજન દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ સોમવારે સવારથી જ તમામ ઝોનમાં અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. બીજી તરફ ફાયર વિભાગની અલગ-અલગ ટીમો એ પણ જોખમી સ્ટ્રક્ચર નો સર્વે શરૂ કરતાં બપોર સુધીમાં 100થી વધુ મિલકતદારોને નોટિસ ફટકારી છે સાંજ સુધીમાં નોટીસની સંખ્યા 500ને પાસ કરી જાય તેવી શક્યતા છે. 

સુરતના નાસીર નગરના ડિમોલીશન વિવાદ સાથે શહેરમાં ટેમ્પરરી સ્ટ્રકચરની ફરિયાદ પણ બહાર આવી છે. બે વર્ષ પહેલાં રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકાએ ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ચોક્કસ નીતિ અને નિયમો અમલમાં મૂક્યા હતા. મેળા, સર્કસ અને પ્રદર્શનો જેવી મર્યાદિત પ્રવૃત્તિઓ માટે જ ટેમ્પરરી સ્ટ્રક્ચરને મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો હતો. તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ મોટા પ્રમાણમાં આવા ટેમ્પરરી સ્ટકચર ધમધમી રહ્યાં હોવાની ફરિયાદ બહાર આવી છે. 

ખાસ કરીને યાર્ન, ભંગાર, પ્લાસ્ટિક, કેમિકલ અને અન્ય જ્વલનશીલ સામગ્રીના ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા ટેમ્પરરી સ્ટ્રક્ચર પાલિકાની સૌથી મોટી ચિંતાનું કારણ બન્યા છે. આગ જેવી દુર્ઘટના સર્જાય તો આવા માળખાંમાં પળવારમાં આગ ફેલાઈ શકે છે અને મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. ફાયર વિભાગના પ્રાથમિક સર્વેમાં પણ અનેક સ્થળોએ સુરક્ષા નિયમોના અભાવ અને જોખમી પરિસ્થિતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.  

પાલિકા કમિશનરે તમામ ઝોનના વડાઓને પોતાના વિસ્તારમાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવા સૂચના આપી હતી. જેના પગલે સોમવારથી શહેરવ્યાપી અભિયાનનો પ્રારંભ થયો છે. બપોર સુધીમાં જ 100થી વધુ મિલકતદારોને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે આગામી દિવસોમાં આ સંખ્યા 500થી વધુ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- એક જ દિવસમાં તંત્ર દોડતું થયું

- લાંબા સમય બાદ ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે શહેર વ્યાપી અભિયાન

- તમામ ઝોનમાં એક સાથે સર્વે કામગીરી શરૂ

- 100થી વધુ મિલકતદારોને નોટિસ ફટકારાઈ  

- ફાયર વિભાગની વિશેષ ટીમ મેદાનમાં ઉતરી

- જોખમી અને જ્વલનશીલ ગોડાઉન પર ખાસ નજર

- આગામી દિવસોમાં કાર્યવાહીનો આંકડો 500ને પાર પહોંચે તેવી સંભાવના 

- યાર્ન-ભંગારના ગોડાઉન પાલિકાના રડાર પર

શહેરના અનેક વિસ્તારોમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં યાર્ન, ભંગાર, પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આવા ગોડાઉનમાં આગ લાગે તો બચાવ કામગીરી પણ મુશ્કેલ બની શકે છે. તેથી ફાયર વિભાગે આવા સ્થળોને પ્રાથમિકતા સાથે ચિહ્નિત કરીને કાર્યવાહી શરૂ કરી છે.

પાલિકા અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રહેશે અને નિયમ વિરુદ્ધના માળખાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે.